<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગલ્‍ફમાં ગરમાવોઃ સાઉદી અને કુવૈતે અમેરિકા માટે એરસ્‍પેસ ખોલ્‍યું

ઈરાન પર સંકટના વાદળો?

રિયાધ, તા.૮: મધ્‍ય પૂર્વમાં યુદ્ધના વાદળો વચ્‍ચે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. સાઉદી અરેબિયા અને કુવૈતે તેમના એરસ્‍પેસ અને લશ્‍કરી મથકો પર અમેરિકન સૈન્‍ય વિમાનો માટે લાદેલા પ્રતિબંધો હટાવી લીધા છે. આ નિર્ણયને રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પની ગલ્‍ફ દેશો સાથેની વ્‍યૂહાત્‍મક વાટાઘાટોની મોટી સફળતા માનવામાં આવે છે. અગાઉ, આ પ્રતિબંધોને કારણે હોર્મુઝ સ્‍ટ્રેટમાં અમેરિકાનું ‘ઓપરેશન ફ્રીડમ' અટકી પડ્‍યું હતું, જે હવે ફરી શરૂ થવા જઈ રહ્યું છે.

આ પરવાનગી મળ્‍યા બાદ અમેરિકા હવે પર્શિયન ગલ્‍ફમાં ઈરાની મિસાઈલો અને ડ્રોન સામે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરી શકશે. તેલના પુરવઠા માટે જીવનરેખા ગણાતા હોર્મુઝ સ્‍ટ્રેટમાં વાણિજ્‍યિક જહાજોને હવે સીધું હવાઈ સંરક્ષણ મળશે. પેન્‍ટાગોનના અધિકારીઓના મતે, આ સપ્તાહના અંત સુધીમાં અમેરિકન ફાઈટર જેટ્‍સ આ ક્ષેત્રમાં પેટ્રોલિંગ શરૂ કરી દેશે, જેનાથી ઈરાન પરનું લશ્‍કરી દબાણ અનેકગણું વધી જશે.

નોંધનીય છે કે, શરૂઆતમાં સાઉદી અરેબિયા અને વોશિંગ્‍ટન વચ્‍ચે સુરક્ષા કરારોને લઈ વિવાદ સર્જાયો હતો. જોકે, ટ્રમ્‍પ અને ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન વચ્‍ચે થયેલી ઉચ્‍ચ સ્‍તરીય વાતચીત બાદ આ સંઘર્ષ ઉકેલાયો છે. આ સહયોગ માત્ર લશ્‍કરી જ નહીં પણ વૈશ્વિક વેપાર અને તેલની કિંમતોને સ્‍થિર રાખવા માટે પણ નિર્ણાયક સાબિત થશે. અમેરિકાનો હવે સ્‍પષ્ટ હેતુ આ વ્‍યૂહાત્‍મક જળમાર્ગ પર પોતાની નૌકા શક્‍તિનું સંપૂર્ણ વર્ચસ્‍વ સ્‍થાપિત કરવાનો છે.

(10:56 AM IST)