તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
રાષ્ટ્રીય સ્તરે ગરમાયેલું શૈક્ષણિક આંદોલન આખરે રાજકીય ગજગ્રાહમાં ફેરવાયું: દિલ્હીના જંતર-મંતર પર પરીક્ષા સુધારણાની સામાન્ય માંગ સાથે શરૂ થયેલો વિદ્યાર્થીઓનો આક્રોશ વિપક્ષ અને વૈચારિક સંગઠનોનું આક્રમક પ્લેટફોર્મ બન્યો
૨૬ દિવસ સુધી ચાલેલા સતત વિરોધ પ્રદર્શનોમાં પેપર લીકની તપાસથી લઈને બંધારણીય અધિકારો અને કાશ્મીર જેવા રાષ્ટ્રીય વિષયોનો ઉમેરો થતાં આંદોલનનું મૂળ સ્વરૂપ બદલાયું; વિપક્ષી નેતાઓ અને બોલિવૂડ હસ્તીઓની હાજરીથી કેન્દ્ર સરકાર સામે મોરચો મંડાયો

નવી દિલ્હી: દેશભરના લાખો વિદ્યાર્થીઓ કે જેઓ પોતાના ભવિષ્ય માટે રાત-દિવસ એક કરે છે, તેમના શૈક્ષણિક હિતો અને NEET પરીક્ષાના પેપર લીક જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દા પરથી શરૂ થયેલું જંતર-મંતરનું વિદ્યાર્થી આંદોલન સમય જતાં એક વ્યાપક રાજકીય અને વૈચારિક સંગ્રામમાં પરિવર્તિત થઈ ગયું છે. શરૂઆતના દિવસોમાં માત્ર પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા અને ન્યાયની માંગ સાથે એકત્ર થયેલા દેશના યુવા ધન અને વાલીઓનો અવાજ, ૨૬ દિવસની લાંબી સફર બાદ વિપક્ષી પક્ષોની સક્રિય ભાગીદારી અને વિવિધ સામાજિક સંગઠનોના પ્રવેશને કારણે એક સંપૂર્ણ રાજકીય મોરચા તરીકે ઉભરી આવ્યો છે. આ આંદોલન દરમિયાન મૂળ શૈક્ષણિક ચર્ચાઓ પાછળ ધકેલાઈ ગઈ હતી અને કેન્દ્ર સરકારની નીતિઓ તેમજ અન્ય વૈચારિક વિવાદો કેન્દ્રસ્થાને આવી ગયા હતા.
શરૂઆતના તબક્કામાં જંતર-મંતર ખાતે ભેગા થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોની માંગણીઓ બહુ સ્પષ્ટ અને કાયદાકીય હતી. તેઓ મુખ્યત્વે NEET પેપર લીકની તટસ્થ અને સર્વગ્રાહી તપાસ થાય, સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવે, ભવિષ્યમાં સરકારી ભરતી પ્રક્રિયાઓમાં થતી અનિયમિતતાઓ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે અને શિક્ષણ મંત્રાલયની સીધી જવાબદારી નક્કી કરવામાં આવે તેવી લડત લડી રહ્યા હતા. પ્રારંભિક વ્યાખ્યાનોમાં પુનઃપરીક્ષાનું આયોજન, ટેકનોલોજી આધારિત સુરક્ષિત પરીક્ષા પદ્ધતિનો અમલ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની ચિંતાઓ મુખ્ય હતી. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ આંદોલનનો વ્યાપ વધતો ગયો અને તેમાં અન્ય પ્રાદેશિક અને સામાજિક સંગઠનો સામેલ થવા લાગ્યા.
મુખ્ય મુદ્દાઓથી ભટકીને વૈચારિક અને રાજકીય ચર્ચાઓ તરફ પ્રયાણ
આંદોલન આગળ વધતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ખેડૂત સંગઠનો, નાગરિક અધિકાર મંચના સભ્યો અને સામાજિક કાર્યકરોનો મોટો સમુદાય આ પ્લેટફોર્મ પર સક્રિય બન્યો હતો. પરિણામે, શિક્ષણ મંત્રીના રાજીનામાની તીવ્ર માંગની સાથે સાથે દેશના વડાપ્રધાન વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. આ મંચ પરથી દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદની જેલમાંથી મુક્તિની માંગણીઓ પણ બુલંદ કરવામાં આવી હતી, જ્યારે કેટલાક વક્તાઓએ કાશ્મીર અને કલમ ૩૭૦ સંબંધિત સંવેદનશીલ વિષયો પર પણ મંતવ્યો રજૂ કર્યા હતા. તે ઉપરાંત, દેશની વર્તમાન પરિસ્થિતિની તુલના નેપાળ અને બાંગ્લાદેશ સાથે કરીને આક્રમક સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, જેનાથી શૈક્ષણિક પ્લેટફોર્મ સંપૂર્ણપણે વૈચારિક ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું.
રાષ્ટ્રીય સ્તરના વિપક્ષી નેતાઓ અને બોલિવૂડ હસ્તીઓનો મોરચો
જંતર-મંતર ખાતે ચાલી રહેલી ભૂખ હડતાળ અને પ્રદર્શનો વચ્ચે વિપક્ષના ટોચના નેતાઓએ રૂબરૂ મુલાકાત લઈને આંદોલનને દેશવ્યાપી રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના સાંસદ સુપ્રિયા સુલે, કીર્તિ આઝાદ અને વરિષ્ઠ સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ જેવા અગ્રણી ચહેરાઓ આ પ્લેટફોર્મ પર એકસાથે જોવા મળ્યા હતા. વિપક્ષી નેતાઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને પોલીસ તંત્રની કડક કાર્યવાહી પર સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી હતી. આ ઉપરાંત, સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે દેશમાં લોકશાહીનું ભવિષ્ય હવે સંસદથી નહીં પરંતુ રસ્તાઓ પર થતા લોકપ્રતિરોધથી નક્કી થશે.
આ જ મંચ પર નાગરિકતા સંશોધન કાયદા (CAA) ના વિરોધમાં શાહીન બાગ ખાતે અને અગાઉના ખેડૂત આંદોલનોમાં સક્રિય રહેલી બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ જોવા મળી હતી. શબાના આઝમી, પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા જેવા કલાકારોએ પ્રદર્શન સ્થળે પહોંચીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. અભિનેત્રી શબાના આઝમીએ શાંતિપૂર્ણ વિરોધ કરવાના બંધારણીય અધિકારની હિમાયત કરી હતી અને આંદોલનને તેના મૂળ મુદ્દાઓ પર કેન્દ્રિત રાખવા વિનંતી કરી હતી. જ્યારે સ્વરા ભાસ્કરે વર્તમાન શાસન વ્યવસ્થા નાગરિક અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
૨૬ દિવસીય ઘટનાક્રમની વિગતવાર ટાઈમલાઈન (સમયરેખા):
૨૮ જૂન: આંદોલનનો પ્રથમ દિવસ. સામાજિક કાર્યકર સોનમ વાંગચુક દ્વારા જંતર-મંતર ખાતે શૈક્ષણિક સુધારણા માટે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળની જાહેરાત કરવામાં આવી.
૬ થી ૮ જુલાઈ: આંદોલનનો વ્યાપ વધ્યો. સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ મોટી સંખ્યામાં પ્રદર્શનમાં જોડાયા.
૮ જુલાઈ: દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસ જંતર-મંતર ખાતે પહોંચ્યા અને મંચ પરથી ઉમર ખાલિદની જેલમુક્તિની માંગ ઉઠાવી.
૧૧ થી ૧૫ જુલાઈ: દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા ખેડૂત સંગઠનો અને સામાજિક મોરચાઓએ સત્તાવાર રીતે આંદોલનને ટેકો જાહેર કરી પોતાની ભાગીદારી નોંધાવી.
૧૬ જુલાઈ: ભારતીય કિસાન યુનિયના અગ્રણી નેતા રાકેશ ટિકૈત પ્રદર્શન સ્થળે પહોંચ્યા. તેમણે આ લડતને શૈક્ષણિક મુદ્દાઓથી આગળ વધારીને એક મોટો વૈચારિક સંઘર્ષ ગણાવ્યો.
૧૮ જુલાઈ: ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકની તબિયત લથડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેના પગલે સમર્થકોની ભીડ ઉમટી પડી.
૨૦ જુલાઈ: આંદોલનકારીઓ દ્વારા 'સંસદ ચલો' માર્ચનું આયોજન કરાયું. અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ, મહુઆ મોઇત્રા, સુપ્રિયા સુલે અને યોગેન્દ્ર યાદવ સહિતના વિપક્ષી નેતાઓ જંતર-મંતર ખાતે એકઠા થયા.
૨૧ જુલાઈ: ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે જંતર-મંતરની મુલાકાત લીધી અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી.
૨૨ જુલાઈ: બોલિવૂડ કલાકારો શબાના આઝમી, પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને કુણાલ કામરાએ હાજરી આપી. મંચ પરથી અભિવ્યક્તિની આઝાદી અને સરકારી નીતિઓ પર આકરા પ્રહારો કરાયા.
૨૩ જુલાઈ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડો. જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ ખાતે જઈને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી. આ બેઠક બાદ ૨૬ દિવસથી ચાલી રહેલી ભૂખ હડતાળનો સત્તાવાર અંત આવ્યો.
આમ, ૨૬ દિવસ સુધી ચાલેલી આ લાંબી મથામણ બાદ સોનમ વાંગચુકના પારણા સાથે અનસન ભલે સમેટાઈ ગયું હોય, પરંતુ આ આંદોલને દેશના શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને પેપર લીકની ગંભીર સમસ્યાઓની સાથે સાથે દેશના રાજકીય વાતાવરણને પણ ગરમ કરી દીધું છે. પ્રારંભિક તબક્કે શૈક્ષણિક પારદર્શિતા માટે શરૂ થયેલી લડત અંતે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના એક મોટા રાજકીય યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
