<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

દેશમાં ભીષણ ગરમી અને હીટવેવનો કહેર યથાવત્: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ, કહ્યું 'હાઇડ્રેટેડ રહો અને બહાર નીકળો ત્યારે પાણી સાથે રાખો'

દિલ્હી, રાજસ્થાન, UP સહિત 8 રાજ્યોમાં રેડ એલર્ટ: PMએ વૃદ્ધો અને બાળકોની વિશેષ કાળજી લેવાની આપી સલાહ, હીટસ્ટ્રોકથી બચવા માટે જાહેર કરી ગાઇડલાઇન

નવી દિલ્હી તા.૨૭ :  દેશના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત્ છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત 8 રાજ્યોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભારત મોદીએ દેશવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે.  

 

નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે દેશના ઘણા ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં આપણે સૌએ પોતાનું અને પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમણે લોકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી છે. PMએ કહ્યું કે બહાર નીકળો ત્યારે હંમેશા પાણીની બોટલ સાથે રાખો અને બને ત્યાં સુધી બપોરે 12 થી 3 વાગ્યા સુધી તડકામાં જવાનું ટાળો.  

 

વડાપ્રધાને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી લેવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે હીટસ્ટ્રોકના લક્ષણો જેવા કે માથું દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી જેવી ફરિયાદ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. હળવા સુતરાઉ કપડાં પહેરવા, છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો અને લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી જેવા પ્રવાહીનું વધુ સેવન કરવાની સલાહ પણ વડાપ્રધાનએ આપી છે.  

 

હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનના ફલોદીમાં દેશનું સૌથી વધુ 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હીમાં પણ પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર રાખવા અને પાણીની અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.  

 

NDMA દ્વારા પણ હીટવેવથી બચવા માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં આલ્કોહોલ, ચા, કોફી જેવા પીણાં ટાળવા અને બને તેટલું ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે.

(4:27 PM IST)