News of Thursday, 25th June 2026
યુકેમાં ગરમીનો હાહાકાર, તૂટ્યો ૫૦ વર્ષનો રેકોર્ડ: સમરસેટમાં તાપમાન ૩૬.૪ ડિગ્રીએ પહોંચતા જૂન મહિનાનો ઇતિહાસનો સૌથી ગરમ દિવસ નોંધાયો!
ભેજવાળી હવા અને 'ઉષ્ણકટિબંધીય રાત્રિઓ' ના કારણે લોકો ત્રાહિમામ; ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૨,૪૦૦ થી વધુ શાળાઓ બંધ, ૨૦૨૭નું વર્ષ વિશ્વનું સૌથી ગરમ રહેવાની વૈજ્ઞાનિકોની ચેતવણી

લંડન : ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (Climate Change) ના કારણે અત્યારે આખી દુનિયા હવામાનના ગંભીર પ્રકોપનો સામનો કરી રહી છે. આ કડીમાં હવે બ્રિટન (યુકે) માં પણ ગરમીએ પચાસ વર્ષ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બ્રિટનના હવામાન વિભાગ (Met Office) ના જણાવ્યા અનુસાર, સમરસેટના યેઓવિલ્ટન (Yeovilton) ગામમાં તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે યુકેના ઇતિહાસમાં જૂન મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ બની ગયો છે. આ પૂર્વે ગઈકાલે હેમ્પશાયરમાં ૩૬.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેણે વર્ષ ૧૯૭૬નો રેકોર્ડ તોડ્યો હતો, પરંતુ આજે એ નવો રેકોર્ડ પણ ધ્વસ્ત થઈ ગયો છે.
૨૦૨૨ કરતાં આ ગરમી કેમ વધુ ખતરનાક અને અસહ્ય લાગી રહી છે?
પર્યાવરણ નિષ્ણાતોના મતે, આ વખતનું હીટવેવ (Heatwave) અગાઉના વર્ષો કરતાં વધુ ભયાનક અનુભવાઈ રહ્યું છે અને તેના બે મુખ્ય કારણો છે:
· હવામાં અસામાન્ય ભેજ (High Humidity): હવામાં ભેજનું પ્રમાણ અને ઝાકળ બિંદુ (Dew Point) ૨૨ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. જ્યારે હવામાં ભેજ વધુ હોય ત્યારે શરીરનો પરસેવો સુકાતો નથી, જેના કારણે કુદરતી રીતે શરીર ઠંડુ પડી શકતું નથી. આ પૂર્વે જુલાઈ ૨૦૨૨માં જ્યારે યુકેમાં ૪૦.૩ ડિગ્રીની ઐતિહાસિક ગરમી હતી, ત્યારે હવા એકદમ સૂકી હતી, જેથી આટલો ભેજ નહોતો.
· રાત્રિ રાહતનો અભાવ (Tropical Nights): સામાન્ય રીતે બ્રિટનમાં રાત્રે ઠંડક થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ઇંગ્લેન્ડ અને વેલ્સના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે જઈ રહ્યું નથી. હવામાન વૈજ્ઞાનિકો આ સ્થિતિને 'ઉષ્ણકટિબંધીય રાત્રિ' તરીકે ઓળખાવી રહ્યા છે.
શિક્ષણ વ્યવસ્થા ઠપ્પ: ૨,૪૦૦ થી વધુ શાળાઓ બંધ
આ અસહ્ય ગરમીના મોજાને કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહેવાલો અનુસાર, ઇંગ્લેન્ડમાં અંદાજે ૧,૬૦૦ થી વધુ અને વેલ્સમાં ૮૪૦ થી વધુ શાળાઓ કાં તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે અથવા ત્યાં શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર થઈ છે. ઘણી શાળાઓએ વાલીઓને તેમના બાળકોને વહેલા ઘરે લઈ જવાની છૂટ આપી છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ સ્થિતિ અંગે જણાવ્યું છે કે, "દરેક શાળા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના સ્તરે યોગ્ય અને માપસરના પગલાં લેશે."
૨૦૨૭નું વર્ષ બનશે પૃથ્વીનું સૌથી ગરમ વર્ષ!
આબોહવા પત્રકારો અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આગામી વર્ષો માનવજાત માટે વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. પ્રશાંત મહાસાગર (Pacific Ocean) માં સક્રિય થયેલી 'અલ નીનો' (El Nino) નામની કુદરતી હવામાન ઘટના નાતાલ (ક્રિસમસ) ની આસપાસ વધુ શક્તિશાળી બનશે, જે વૈશ્વિક તાપમાનમાં મોટો ઉછાળો લાવશે. માનવ-સર્જિત પ્રદૂષણને કારણે આપણો ગ્રહ ઓલરેડી ગરમ છે, અને તેમાં અલ નીનો ભળવાના કારણે વ્યાપક અપેક્ષા છે કે વર્ષ ૨૦૨૭ એ સમગ્ર વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ નોંધાઈ શકે છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
