<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ઉત્તરાખંડના દુર્ગમ કેદારતાલ ટ્રેક પર ભારે હિમસ્ખલન: ૭ ટ્રેકર્સ સહિત ૮ લોકો બરફ વચ્ચે ફસાયા, ૪ સભ્યો સુરક્ષિત મળ્યા

​ગંગોત્રીથી ઉપડેલી ૧૩ સભ્યોની ટુકડી આફતમાં સપડાઈ; NDRF, SDRF અને વન વિભાગની ટીમો મોરચે: એરલિફ્ટ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવા તંત્ર કટિબદ્ધ

​ઉત્તરકાશી / દેહરાદૂન:ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા પ્રખ્યાત અને પડકારજનક કેદારતાલ ટ્રેકિંગ રૂટ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભોજખડકથી આગળના વિસ્તારમાં અચાનક ભારે હિમસ્ખલન (એવલાંચ) થવાના કારણે ૭ પ્રવાસી ટ્રેકર્સ અને ૧ સપોર્ટિંગ સ્ટાફ મળીને કુલ ૮ લોકો બરફના સામ્રાજ્ય વચ્ચે ફસાઈ ગયા છે. આ દળના ૪ સભ્યો (૩ પોર્ટર અને ૧ રસોઈયા) કચ્છી ઢાંગ નજીકથી સુરક્ષિત મળી આવ્યા છે. બાકીના ૮ લોકોને વહેલી તકે સહીસલામત બહાર કાઢવા માટે NDRF, SDRF, વન વિભાગ અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ભારે કટોકટી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.

​૨૭ ઓક્ટોબરે ગંગોત્રીથી રવાના થયું હતું ૧૩ સભ્યોનું દળ
​જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ, ૭ ટ્રેકર્સ અને ૬ સપોર્ટિંગ સ્ટાફ સહિત કુલ ૧૩ લોકોની ટીમ ૨૭ ઓક્ટોબરે ગંગોત્રીથી કેદારતાલ ટ્રેક માટે રવાના થઈ હતી. આ જૂથનો ૨૯ ઓક્ટોબરે પરત ફરવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જોકે, હિમાલયી વિસ્તારમાં અચાનક હવામાન પલટાતાં અને ગ્લેશિયર ખસવાથી માર્ગમાં ભારે બરફવર્ષા થઈ હતી, જેના લીધે ટ્રેકિંગનો રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો.

​સેટેલાઇટ/ફોન સંપર્ક થતાં તંત્ર હરકતમાં આવ્યું
​ટીમ નિર્ધારિત સમયે પરત ન ફરતા પ્રશાસન અને ટ્રેકિંગ એજન્સી દ્વારા સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ૩૦ ઓક્ટોબરે ફોન પર સંપર્ક સાધી શકાયો હતો, જેમાં કચ્છી ઢાંગ પાસે હોવાની માહિતી સાથે ટીમે તાત્કાલિક મદદની ગુહાર લગાવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા રાહત કામગીરી ઝડપી બનાવાઈ હતી અને બચાવ ટીમોને ઘટનાસ્થળ તરફ રવાના કરાઈ હતી.

​હેલિકોપ્ટર વડે એરલિફ્ટ કરવાના પ્રયાસો
​કેદારતાલનો ભૂપ્રદેશ અત્યંત ઊંચાઈ પર અને અત્યંત કઠિન હોવાના કારણે જમીની માર્ગે પહોંચવામાં બચાવ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમય બગાડ્યા વિના ફસાયેલા ટ્રેકર્સ સુધી ઝડપથી પહોંચવા અને જરૂર પડીએ તેમને તુરંત એરલિફ્ટ કરવા માટે વાયુસેના કે સિવિલ હેલિકોપ્ટરની મદદ લેવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રશાસનનું કહેવું છે કે તમામ ફસાયેલા મુસાફરો સુરક્ષિત રહે તે માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.

(3:17 PM IST)