તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ભારે કરીઃ માથે સાફા બાંધી ૪૨ વરરાજા પરણવા આવ્યાઃ સાંજ સુધી કોઈ દુલ્હન આવી જ નહીં: સમૂહ લગ્નના નામ પર મોટો ખેલ ખેલાયો
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાંથી લગ્નના નામ પર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

દેવાસ,તા.૨૬: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાંથી લગ્નના નામ પર છેતરપિડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બે નહીં પણ ૪૨ યુવકોને લગ્નના સપના દેખાડી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. તમામ યુવકો માથે સાફો બાંધી જાન લઈ દેવાસના ક્લબ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. પણ કલાકો સુધી રાહ જોયા બાદ કોઈ દુલ્હન આવી નહીં. જ્યારે સચ્ચાઈ સામે આવી તો ઘટનાસ્થળ પર અફરાતફરી મચી. પીડિત વરરાજાઓ હવે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.
જાણકારી અનુસાર, દેવાસ અને આજુબાજુના જિલ્લામાં રહેતા ૪૨ યુવકોના લગ્ન કરાવવાની લાલચ આપી હતી. આરોપ છે કે વિદિશાના એક યુવકે ખુદને વચેટિયા ગણાવતા કહ્યું હતું કે ઇન્દોરના એક અનાથ આશ્રમમાંથી છોકરીઓ લાવી સામૂહિક વિવાહ કરાવવામાં આવશે. તેના બદલામાં યુવકો પાસેથી ૧૫થી ૨૫ હજાર રૂપિયા લીધા હતા. લગ્ન નક્કી થયા બાદ યુવકોને મોબાઈલ પર છોકરીઓની તસવીરો બતાવી, જેનાથી તેમનો વિશ્વાસ થઈ ગયો કે તેમના લગ્ન થઈ જશે.
કહેવાય છે કે નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર, તમામ યુવક વરરાજાના પોશાકમાં સવારથી ક્લબ ગ્રાઉન્ડ આવી પહોંચ્યા હતા. ત્યાં લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. પણ જેમ જેમ સમય વિતતો ગયો, દુલ્હનો ક્યાંય દેખાઈ નહીં. મોડી સાંજ સુધી જ્યારે કોઈ દેખાયું નહીં તો યુવકોને લાગ્યું કે તેઓ છેતરાયા છે. ત્યાર બાદ ઘટનાસ્થળ પર વરરાજા અને તેમના પરિવારે ભારે હોબાળો મચાવ્યો. પીડિતોએ આરોપ લગાવ્યો કે લગ્નના નામ પર તેમની ભાવનાઓ સાથે રમત રમવામાં આવી છે. લાખો રૂપિયા છેતરી લેવામાં આવ્યા છે. કેટલાય યુવકો એવા હતા, જેમણે લગ્ન કરવા માટે થઈને ઉધારે રૂપિયા લઈને આવ્યા હતા. આ યુવકોએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
દેવાસની બીએનપી પ્રભારી પ્રીતિ કટારેએ જણાવ્યું કે આ મામલો લગ્નના નામ પર છેતરપિડીનો કહેવાય છે. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે. પોલીસ આ અનાથ આશ્રમના સંચાલકો સાથે પણ પૂછપરછ કરશે, જેમના નામ પર યુવકોને લાલચ આપવામાં આવી. હાલમાં આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે લગ્ન જેવા પવિત્ર સંબંધના નામ પર આ રીતે છેતરપિડી કરવી શરમજનક છે. પોલીસનો દાવો છે કે આરોપીઓની જલદી ધરપકડ કરવામાં આવશે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
