<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

બિલાસપુરમાં ટ્રેક્ટર એજન્સીમાં ભીષણ આગ, અડધા ડઝનથી વધુ વાહનો બળીને ખાખ

ઘુમરવિનના બલ્લુમાં અચાનક ફાટી નીકળેલી જ્વાળાઓએ લીધું રોદ્ર સ્વરૂપ, લાખોનું નુકસાન થવાની ભીતિ

બિલાસપુર:હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લા અંતર્ગત આવતા ઘુમરવિન નજીક બલ્લુ વિસ્તારમાં આવેલી એક ટ્રેક્ટર એજન્સીમાં રવિવારે સવારે અચાનક ભીષણ આગ ભબકી ઊઠતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે શોરૂમ તેમજ પરિસરમાં ઊભેલા અડધા ડઝનથી વધુ ટ્રેક્ટરો આગીની જ્વાળાઓમાં લપેટાઈને સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને કલાકોની ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા સેવાઈ રહી છે, જોકે આગ લાગવાનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો પણ બનાવ સ્થળે પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં એજન્સીને થયેલા લાખો રૂપિયાના આર્થિક નુકસાનનું હાલમાં ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રે ઘટના અંગે ગંભીરતા દાખવીને તપાસના આદેશ આપ્યા છે.

આગ લાગવાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ફોરેન્સિક ટીમ તેમજ ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. પોલીસ દ્વારા એજન્સી માલિક તેમજ આસપાસના લોકોના નિવેદનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ ભવિષ્યમાં આવી હોનારત ન સર્જાય તે માટે ફાયર એનઓસી અને સુરક્ષાના સાધનો અંગે પણ તપાસ હાથ ધરાશે.

(10:38 AM IST)