<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

એશિયન ગેમ્‍સ ૨૦૨૬ પહેલા જાપાનના નાગોયામાં ભારે પૂર

૪૦૦થી વધુ ખેલાડીઓનું સ્‍થળાંતરઃ: નાગોયા શહેરના મુખ્‍ય માર્ગો, શોપિંગ ડિસ્‍ટ્રિક્‍ટ અને રેલવે લાઇન પાણીમાં ગરકાવ

નાગોયા (જાપાન),તા.૧૦: વર્ષ ૨૦૨૬ની એશિયન ગેમ્‍સના આયોજન પૂર્વે જ યજમાન શહેર નાગોયામાં મેઘરાજાએ ભારે હોનારત સર્જી છે. જાપાનના આ મધ્‍યવર્તી શહેરમાં ૮ સપ્‍ટેમ્‍બરના રોજ માત્ર એક જ કલાકમાં આશરે ૧૦૪.૫ મીમી જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્‍યો હતો, જે ૧૮૯૦ પછીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ અતિભારે વરસાદના કારણે નાગોયા શહેરના મુખ્‍ય માર્ગો, શોપિગ ડિસ્‍ટ્રિક્‍ટ અને રેલવે લાઇન પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને જાપાન હવામાન એજન્‍સીએ ગિફુ અને આઇચી પ્રીફેક્‍ચરમાંથી પસાર થતી શોનાઇ નદી માટે સૌથી ભયાનક એવું ‘લેવલ ૫' પૂરનું એલર્ટ જારી કર્યું છે. સુરક્ષાના પગલારૂપે, એશિયન ગેમ્‍સ માટે વહેલા આવી પહોંચેલા આશરે ૪૦૦ જેટલા ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફને સલામત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે. આ ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા કન્‍ટેનર આવાસ વિસ્‍તારોમાં પૂરનું પાણી ભરાવાની શક્‍યતાને પગલે આ નિર્ણય લેવાયો હતો.

પૂરના કારણે સ્‍થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું છે. નાગોયામાં બસ અને સબવે સેવાઓ અસ્‍થાયી રૂપે બંધ કરવામાં આવી હતી, જ્‍યારે જેઆર ચુઓ લાઇનના ટ્રેક જળમગ્ન થઈ ગયા હતા. આશરે ૩,૫૦૦થી વધુ લોકોએ ઇમરજન્‍સી શેલ્‍ટર હોમમાં આશ્રય લેવો પડ્‍યો છે, જ્‍યારે ૪ લોકોને સામાન્‍ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

પૂર હોવા છતાં નાગોયાના મેયર ઇચિરો હિરોસાવાએ સ્‍પષ્ટતા કરી છે કે રમતોના શિડ્‍યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્‍યું કે કેટલીક સ્‍પોર્ટ્‍સ વેન્‍યુની છતોમાંથી પાણી ટપકવાની નાની-મોટી ઘટનાઓ સિવાય અન્‍ય કોઈ મોટું નુકસાન થયું નથી અને આયોજન નિર્ધારિત સમયપત્રક મુજબ જ આગળ વધશે.

૧૯ સપ્‍ટેમ્‍બરથી ૪ ઓક્‍ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ એશિયન ગેમ્‍સમાં ૪૫ દેશોના ૧૧,૦૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. વર્ષ ૧૯૫૧માં નવી દિલ્‍હીથી શરૂ થયેલી એશિયન ગેમ્‍સની આ ૭૫મી વર્ષગાંઠ છે અને ટોક્‍યો (૧૯૫૮) તથા હિરોશિમા (૧૯૯૪) પછી જાપાન ત્રીજી વખત આ રમતોત્‍સવની યજમાની કરી રહ્યું છે

(9:52 AM IST)