તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
અમેરિકા-ઈરાન તણાવની ભારે અસર: શેરબજારમાં પ્રચંડ કડાકો, રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ
શેર બજાર ખુલતા જ સેન્સેક્સમાં ૪૩૦ અને નિફ્ટીમાં ૧૬૧ પોઈન્ટનો ઘટાડો નોંધાયો: ડૉલર સામે રૂપિયો ગગડીને ૯૬.૧૯ પર પહોંચતા મોંઘવારી વધવાની ભીતિ : આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા જોખમોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાંથી મોટા પાયે મૂડી પાછી ખેંચવાનું ફરી શરૂ કરી દીધું

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધની વધતી જતી આશંકાઓ અને વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓને કારણે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભારે નિરાશાજનક અને રક્તરંજિત રહી હતી. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં ૪૩૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧૬૧ પોઈન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો. બીજી તરફ ચલણ બજારમાં પણ ભારે ધોવાણ થતાં ડૉલર સામે રૂપિયો ૯૬.૧૯ ની અત્યાર સુધીની સૌથી ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.
સત્તાવાર વિશેષ વિગતો અનુસાર, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા જોખમોને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાંથી મોટા પાયે મૂડી પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે સવારે ૯.૩૫ વાગ્યે બજારની છેલ્લી સ્થિતિ મુજબ બીએસઈ સેન્સેક્સ ભારે દબાણ હેઠળ ૭૫,૨૩૭ ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ ૨૩,૬૪૩ ના સ્તર પર સંઘર્ષ કરી રહ્યો છે.
નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઈલનો વધતો ભાવ અને રૂપિયાના સતત થઈ રહેલા અવમૂલ્યનને કારણે દેશનું આયાત બિલ ખૂબ જ વધી જશે. જેના પરિણામે આવનારા દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો આવશે અને સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ ફરી એકવાર વધવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
