તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
બાબા અમરનાથના યાત્રામાર્ગે પવિત્ર શેષનાગ સરોવર પાસે જેસીબી સહિતના ભારે મશીનરી દ્વારા ખોદકામને પગલે રાજકીય અને ધાર્મિક ઘમાસાણ : મહેબૂબા મુફ્તીને પોલીસે ચંદનવાડી ખાતે અટકાવ્યાં
જમ્મુ-કાશ્મીરનાં અત્યંત જોખમી ૧૪ હિમનદીજન્ય સરોવરોમાં શેષનાગનો સમાવેશ: વિપક્ષો અને ધર્મગુરુઓની ખોદકામ અટકાવવાની જોરદાર માંગ : યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી થતી હોવાનાો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન - બીઆરઓની સ્પષ્ટતા : જમ્મુ-કાશ્મીરમાં હિમનદીજન્ય સરોવરોમાંથી અચાનક વિનાશક પૂર આવવાનું જોખમ ધરાવતાં ૧૪ સરોવરોમાં તેનો સમાવેશ * સરોવરની આસપાસની પહાડી ઢોળાવો અને હિમનદીઓના કાટમાળથી બનેલી કુદરતી રચનાઓ સાથે છેડછાડ કરવાથી જોખમ વધી શકે

જમ્મુ, તા. ૨૪ : કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી પવિત્ર અમરનાથ યાત્રાના માર્ગ ઉપર આવેલા શેષનાગ સરોવર નજીક ભારે મશીનરીથી રસ્તો પહોળો કરવાની કામગીરીએ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય, ધાર્મિક અને પર્યાવરણીય વિવાદ સર્જ્યો છે. જેસીબી મશીનથી પહાડી વિસ્તારનું ખોદકામ થતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયા બાદ ભારે વિરોધ ઊઠ્યો છે. દરમિયાન આજે પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને શેષનાગ સરોવર તરફ જતાં પોલીસે ચંદનવાડી ખાતે અટકાવતાં વિવાદ વધુ વકર્યો છે.
મહેબૂબા મુફ્તી આજે સવારે પક્ષના ધારાસભ્યો વહીદ પારા અને સૈયદ મુન્તઝિર મહેંદી સહિતના આગેવાનો સાથે શેષનાગ સરોવર નજીક ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા નીકળ્યાં હતાં. ચંદનવાડીથી પગપાળા આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવ્યાં હતાં. મહેબૂબાએ આક્ષેપ કર્યો હતો કે પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં ભારે મશીનરીનો ઉપયોગ કરવાથી પ્રાકૃતિક સંપદાને નુકસાન થવાની સાથે અમરનાથ યાત્રાની ધાર્મિક પવિત્રતા પણ જોખમાઈ શકે છે.
મહેબૂબા મુફ્તીએ ઉત્તરાખંડમાં સર્જાયેલી કુદરતી આપત્તિઓનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપી હતી કે વિકાસના નામે કાશ્મીરના પહાડો, જંગલો અને હિમનદીઓ સાથે છેડછાડ કરવામાં આવશે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે છે. તેમણે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ મામલે હસ્તક્ષેપ કરી સમગ્ર યોજનાની સમીક્ષા કરવા અપીલ કરી છે.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું શેષનાગ સરોવર સમુદ્ર સપાટીથી આશરે ૧૧,૭૮૦ ફૂટ એટલે કે ૩,૫૯૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. જમ્મુ-કાશ્મીરમાં હિમનદીજન્ય સરોવરોમાંથી અચાનક વિનાશક પૂર આવવાનું જોખમ ધરાવતાં ૧૪ સરોવરોમાં તેનો સમાવેશ થાય છે. સરોવરની આસપાસની પહાડી ઢોળાવો અને હિમનદીઓના કાટમાળથી બનેલી કુદરતી રચનાઓ સાથે છેડછાડ કરવાથી જોખમ વધી શકે છે.
માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના ધારાસભ્ય અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની પર્યાવરણ સમિતિના અધ્યક્ષ એમ.વાય. તારિગામીએ કામગીરી તાત્કાલિક અટકાવી હિમનદી નિષ્ણાતોની ટીમ દ્વારા સ્થળનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરાવવાની માંગ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ કુદરતી દુર્ઘટના સર્જાય તો પહેલગામ, લિદ્દર ખીણ અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોને ગંભીર અસર થઈ શકે છે.
નેશનલ કોન્ફરન્સના સાંસદ મિયાં અલ્તાફ, આગા સૈયદ રુહુલ્લા મહેંદી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ પણ પર્યાવરણની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે શેષનાગ સરોવરને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયોની આસ્થા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ ગણાવ્યું છે.
કાશ્મીરના મુખ્ય મુસ્લિમ ધર્મગુરુ મીરવાઇઝ ઉમર ફારુકે જણાવ્યું હતું કે કાશ્મીરે હંમેશાં અમરનાથ યાત્રિકોનું સ્વાગત કર્યું છે, પરંતુ યાત્રિકોની સુવિધાઓ વધારવાના નામે હિમાલયના નાજુક પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. પીડીપીના કાશ્મીરી પંડિત આગેવાન મોહિત ભાને પણ આ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.
બીજી તરફ સરહદી માર્ગ સંગઠન (બીઆરઓ)એ સમગ્ર વિવાદ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ નવો માર્ગ બનાવવામાં આવી રહ્યો નથી. અમરનાથ યાત્રાના અગાઉના અનુભવોને ધ્યાનમાં રાખીને વર્તમાન યાત્રામાર્ગને પહોળો અને સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખોદકામમાંથી નીકળતા કાટમાળના સુરક્ષિત નિકાલ, પાણીના કુદરતી વહેણની જાળવણી અને આસપાસના પહાડી વિસ્તારને ઓછામાં ઓછું નુકસાન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી હોવાનું સંગઠને જણાવ્યું છે.
જોકે આ કામગીરી માટે વિશેષ પર્યાવરણીય મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ અને હિમનદીજન્ય પૂરનાં જોખમ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ કરાયો છે કે કેમ તેની વિગતો હજુ જાહેર થયેલી હોવાનું જાણવા મળ્યું નથી. અમરનાથ યાત્રિકોની સુરક્ષા, ધાર્મિક આસ્થાનું સન્માન અને હિમાલયની પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ વચ્ચે યોગ્ય સમન્વય જાળવવાનો પ્રશ્ન હવે કેન્દ્રસ્થાને આવ્યો છે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
