<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દિલ્હીમાં ભારે રાજકીય ડ્રામા: PM મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસનો હંગામો, વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત!

NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ બર્બરતા સામે ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધીના રોડ પર ધામા: શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે સાંજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. NEET પરીક્ષામાં કથિત ગડબડીઓ અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શનના વિરોધમાં કોંગ્રેસના તમામ શીર્ષ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ તરફ કૂચ કરી રોડ પર વિરોધ પ્રદર્શન કરવા બેસી ગયા હતા.

આ હંગામા વચ્ચે એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે PMO ના રાજ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે વિરોધ સ્થળ પર પહોંચીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ટૂંકી પણ મહત્વપૂર્ણ વાતચીત કરી હતી.

કોંગ્રેસના દિગ્ગજો રોડ પર, હાઈડ્રામા બાદ અટકાયત

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ અને પવન ખેડા સહિતના નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પોતાના ૮૪મા જન્મદિવસે જ મલ્લિકાર્જુન ખડગે વિરોધ પ્રદર્શનમાં આગળ જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે પરિસ્થિતિ તંગ બનતા કેટલાક નેતાઓની અટકાયત કરી હતી.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પંજાબ કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા "શેમ શેમ" અને "ભાજપ મુર્દાબાદ" ના નારા લગાવ્યા હતા.

ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત અને CJP ની કડક માંગણીઓ

અગાઉ સવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હોસ્પિટલમાં જઈને ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ RML હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રતિનિધિ મંડળે સરકાર સમક્ષ ૩ મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું અને પીડિત ઉમેદવારોના પરિવારોને રૂ. ૧ કરોડનું વળતર આપવાનો સમાવેશ થાય છે. સરકારે પ્રદર્શનકારીઓને તેમનો વિરોધ સમાપ્ત કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

 

(6:16 PM IST)