<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ગુજરાત-દિલ્હી સહિત 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : IMDએ આપી મોટી અપડેટ

કાલથી પાંચ દિવસ ભારે વરસાદના એંધાણ : દેશના 20થી વધુ રાજ્યોમાં અતિભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ પવન ફૂંકાવાનું એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં અતિભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ પવન ફૂંકાવાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

છત્તીસગઢ અને ઓડિશા પર બનેલા દબાણને કારણે ચોમાસાની ટ્રફ અત્યંત મજબૂત બની છે. આ વરસાદી સિસ્ટમાં થતા ફેરફારને કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા વિસ્તારોમાં મૂશળધાર વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં 4 ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદ સાથે વિજળીના ચમકારા અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ પવન ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ પૂરે-પૂરી શક્યતા વર્તાઇ રહી છે.

 

મધ્ય-પશ્ચિમ ભારતના રાજ્યોમાં આ સિસ્ટમની ભારે અસર જોવા મળી રહી છે. મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં પણ વરસાદનું જોખમ યથાવત છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ ભારેથી અતીભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

 

દેશના પૂર્વોત્તર રાજ્યો જેમ કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં 4 ઓગસ્ટ સુધી સતત વરસાદનો દોર જારી રહેશે. આ તરફ દક્ષિણ ભારતમાં પણ કેરળ, તટીય કર્ટક અને તેલંગાણામાં 1 અને 2 ઓગસ્ટ દરમિયાન તેજ પવનો સાથે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી આ ખતરનાક સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે.

 

બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના તટપ્રદેશો પર દરિયો અત્યંત તોફાની બનશે. દરિયામાં 50 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની અને સુરક્ષિત સ્થળે રહેવાની કડક સલાહ આપી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

(12:47 AM IST)