News of Tuesday, 7th July 2026
મુંબઈમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો : 40 ટ્રેનો રદ: 7,135 મુસાફરોને લાખોનું રિફંડ અપાયું
રેલવે દ્વારા 99 ટ્રેનોના આશરે 1.27 લાખ મુસાફરોને બલ્ક મેસેજ મોકલાયા:અટવાયેલા 27 ટ્રેનોના 19,000 પ્રવાસીઓને ફૂડપેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરાયું: રદ થયેલી ટ્રેનોના 1,020 યાત્રીઓની સુવિધા માટે 17 વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ

મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં સોમવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રેક પર ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ, વડોદરા, અમદાવાદ-દિલ્હી રૂટ સહિતનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સોમવારની વિકટ સ્થિતિ બાદ મંગળવારે પણ રેલવે તંત્ર દ્વારા 7 ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે હજી પણ લાંબા અંતરની ટ્રેનો પોતાના નિયત સમય કરતાં 8 થી 9 કલાક જેટલી મોડી દોડી રહી છે. વરસાદી આફતને પગલે મુસાફરોની સુરક્ષા માટે અત્યાર સુધીમાં 40 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 23 ટ્રેનોને ડાયવર્ટ, 29 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, 15 ટ્રેનોને રી-શિડ્યુલ અને 20 ટ્રેનોના નિયત સ્ટેશનોમાં બદલાવ કરવાની રેલવે પ્રશાસનને ફરજ પડી છે.
આ કપરી પરિસ્થિતિમાં અટવાઈ ગયેલા યાત્રીકોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ટ્રેનો રદ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા 7,135 મુસાફરોને રેલવે વિભાગ દ્વારા રૂપિયા 52.65 લાખની માતબર રકમનું રિફંડ સ્થળ પર જ ચૂકવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટ્રેન પરિચાલનની સચોટ અને સમયસર જાણકારી આપવા માટે રેલવે દ્વારા 99 ટ્રેનોના આશરે 1.27 લાખ મુસાફરોને બલ્ક મેસેજ મોકલવામાં આવ્યા હતા.
વિવિધ સ્ટેશનો પર ટ્રેનો અધવચ્ચે જ ઉભી રાખી દેવામાં આવતા અટવાયેલા 27 ટ્રેનોના 19,000 પ્રવાસીઓને ફૂડપેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરાયું હતું. જ્યારે આંશિક કે પૂર્ણ રીતે રદ થયેલી ટ્રેનોના 1,020 યાત્રીઓની સુવિધા માટે 17 વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી તેઓ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. મુસાફરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે 10 મુખ્ય સ્ટેશનો પર હેલ્પલાઈન ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવ્યા હતા.
મુંબઈ તરફથી કોઈ ટ્રેન આવી કે જઈ ન શકે તેવી સ્થિતિ સર્જાતા મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જુદા-જુદા સ્ટેશનો પર જ ટ્રેનોને થંભાવી દેવામાં આવી હતી. જો કે, મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં પાટા પરથી પાણી ઓસરવાનું શરૂ થતાં, અટકી ગયેલો રેલ વ્યવહાર હવે ધીમી ગતિએ પુનઃ શરૂ થઈ રહ્યો છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
