News of Monday, 29th June 2026
અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩ના મોતઃ ૯ જિલ્લાઓમાં રેડ એલર્ટ
અનેક લોકો લાપતાઃ આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી સેના અને NDRFનું હેલિકોપ્ટરથી યુદ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન શરૂ

ઇટાનગર, તા.૨૯: અરુણાચલ પ્રદેશમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખું રાજ્ય પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. કેયી પન્યોર જિલ્લાના પુસામાં આવેલી NEEPCO કોલોની પૂરના પ્રચંડ પ્રવાહમાં પત્તાના મહેલની જેમ ધોવાઈ ગઈ છે, જ્યાં ૩૦થી વધુ પરિવારોના આશિયાના સંપૂર્ણપણે નાશ પામ્યા છે. કુદરતના આ પ્રકોપમાં સત્તાવાર મળત્યુઆંક વધીને ત્રણ પર પહોંચ્યો છે, જેમાં રવિવારે પાપુમ પારેના હાવા કેમ્પ નજીકથી ગુમ થયેલા યુવક સૌરવ કુમારનો મળતદેહ મળી આવ્યો હતો. પ્રદેશના ૯ જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ બહાર જતાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.
આ ભયાનક આપત્તિ વચ્ચે સેના, NDRF અને SDRFની ટુકડીઓ ધોધમાર વરસાદ અને કાદવના કાટમાળ વચ્ચે જીવના જોખમે બચાવ કામગીરી ચલાવી રહી છે. પૂરના કારણે ૧૨૮થી વધુ પરિવારો બેઘર બન્યા છે, જેમને બચાવવા માટે ભારતીય રેડ ક્રોસ સોસાયટી દ્વારા હેલિકોપ્ટર મારફતે આકાશમાંથી રાહત સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લેપરાડા જિલ્લાની કિડી નદી હાલ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે પ્રદેશને જોડતો મુખ્ય પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
આગામી ૨૪ કલાક અરુણાચલ પ્રદેશ માટે અત્યંત નાજુક અને જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે હવામાન વિભાગે ૨૦૦ મીમીથી વધુ અતિભારે વરસાદની કાળી ચેતવણી જારી કરી છે. પાપુમ પારે, પૂર્વ સિયાંગ, અને લોઅર સુબાનસિરી સહિતના નવ સંવેદનશીલ જિલ્લાઓને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદી કિનારાના વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અને કોઈપણ સંજોગોમાં બિનજરૂરી મુસાફરી ન કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
