તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ગયામાં ‘વિશ્વ શાંતિ મહોત્સવ’માં ખાન સર ન આવતા ભારે અશાંતિ: ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ તોડફોડ કરી મેદાનને રણમેદાન બનાવ્યું
કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીની હાજરીમાં જ ઉગ્ર ભીડે ખુરશીઓ હવામાં ઉછાળી હોબાળો મચાવ્યો: શિક્ષણ પ્રણાલી પર સવાલ ઉઠાવતા માંઝીએ કહ્યું- ‘ખાલી પેટે શાંતિ અશક્ય છે’, સોશિયલ મીડિયા પર નાસભાગના વીડિયો વાયરલ

ગયા:મુક્તિ અને જ્ઞાનની ભૂમિ ગણાતા ગયામાં પીસ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘વિશ્વ શાંતિ મહોત્સવ’ના પ્રથમ દિવસે જ ભારે અરાજકતા અને હિંસા જોવા મળી હતી. ગાંધી મેદાનમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં પ્રખ્યાત શિક્ષણવિદ ખાન સર હાજર રહેવાના હતા, જેમને સાંભળવા માટે હજારોની સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન ખાન સર કોઈ કારણોસર હાજર ન રહી શકતા હોવાના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓનો પિત્તો ગયો હતો. ઉશ્કેરાયેલા યુવાનોએ આયોજકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કાર્યક્રમ સ્થળ પર રાખવામાં આવેલી સેંકડો ખુરશીઓની તોડફોડ શરૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને વિવિધ ધર્મોના અગ્રણી નેતાઓની હાજરીમાં જ મેદાનમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા શાંતિ મહોત્સવ અશાંતિમાં ફેરવાઈ ગયો હતો.
ભારે અંધાધૂંધી અને હંગામા વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કાર્યક્રમને સંબોધતા દેશની વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના હિંસક વર્તન પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજનું શિક્ષણ માત્ર પુસ્તકિયા અને વ્યવસાયિક બની ગયું છે, જેમાં નૈતિક મૂલ્યોનો અભાવ છે. માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી માણસ ભૂખ્યો હોય ત્યાં સુધી વિશ્વમાં શાંતિની સ્થાપના અશક્ય છે. યુવાનોમાં વધી રહેલી હિંસક વૃત્તિ માટે તેમણે શિક્ષણમાં નૈતિકતાના અભાવને જવાબદાર ઠેરવ્યો હતો. આ સાથે જ તેમણે ફાલ્ગુ નદીમાં વર્ષભર પાણીનો પ્રવાહ જાળવવા અને બેરેજ બનાવવા સહિતની ગયા જિલ્લાના વિકાસની મહત્વની યોજનાઓ વિશે પણ જાહેરાતો કરી હતી.
બીજી તરફ, સ્ટેજ પર હાજર વિવિધ ધર્મોના ગુરુઓએ પણ યુવાનોને શાંત રહેવા અને સંયમ રાખવા અપીલ કરી હતી. એક ધાર્મિક ઉપદેશકે વિદ્યાર્થીઓને ટકોર કરતા કહ્યું હતું કે, ખાન સરને આદર્શ માનતા યુવાનોનું આવું વર્તન તેમના આદર્શોની વિરુદ્ધ છે. સ્વામી સુશીલ ગોસ્વામી મહારાજ અને અન્ય ધાર્મિક નેતાઓએ એકસૂરે સંદેશ આપ્યો હતો કે અત્યારના સમયમાં વિશ્વને ‘યુદ્ધ’ની નહીં પરંતુ ‘બુદ્ધ’ની જરૂર છે. ઇસ્લામિક વિદ્વાનોએ પણ શાંતિ અને સુમેળનો પક્ષ રાખ્યો હતો. જોકે, પ્રથમ દિવસે થયેલા આ હોબાળાને કારણે આયોજકોને કાર્યક્રમ સંભાળવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને સોશિયલ મીડિયા પર આ તોડફોડના વીડિયો વાયરલ થતા વહીવટીતંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
