તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
બ્રિટનના પોર્ટસ્માઉથમાં સ્થળાંતર-વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભારે હિંસા: ચહેરો છુપાવવા પર પ્રતિબંધ છતાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઝપાઝપી, અનેકની અટકાયત
‘સ્ટોપ ધ બોટ્સ’ અને વંશવાદ વિરોધી જૂથો વચ્ચે સામસામે બેનરો અને સૂત્રોચ્ચાર: સ્ટેશન નજીક કાયદો અને વ્યવસ્થા કથળતાં પોલીસે વધુ ધરપકડ કરવાની આપી ચેતવણી

પોર્ટસ્માઉથ (યુકે) : બ્રિટનના દરિયાકાંઠાના શહેર પોર્ટસ્માઉથમાં શનિવારે સ્થળાંતર-વિરોધી (anti-migrant) પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલેલા વિરોધ પ્રદર્શન અને 'સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ' દ્વારા આયોજિત પ્રતિ-પ્રદર્શનના અંતે, જ્યારે બંને જૂથો પોર્ટસ્માઉથ રેલ્વે સ્ટેશન તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ વણસી હતી. પ્રદર્શનકારીઓએ પોલીસની સુરક્ષા હરોળ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી અને શબ્દપ્રયોગો થયા હતા, ત્યારબાદ બેરિકેડ્સ તોડવા બદલ પોલીસે અનેકની અટકાયત કરી હતી.
આ વિરોધ પ્રદર્શન જમણેરી વિચારધારા ધરાવતા જૂથો દ્વારા યુકેમાં ચલાવવામાં આવી રહેલા વ્યાપક વિરોધનો એક ભાગ છે. હેમ્પશાયર પોલીસે પ્રદર્શનકારીઓને કટોકટીની સત્તાઓ હેઠળ 'ક્રાઈમ એન્ડ પોલીસિંગ એક્ટ' લાગુ કરીને ચહેરા ન ઢાંકવાની સખત ચેતવણી આપી હતી. આમ છતાં, કેટલાક લોકો ઓળખ છુપાવવા માસ્ક કે નિકાબ જેવા આવરણ પહેરેલા જોવા મળ્યા હતા, જેમની પોલીસે સ્થળ પર જ પૂછપરછ કરી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર સૌને છે, પરંતુ ભય ફેલાવનાર કે હિંસા ભડકાવનાર સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
બપોરે ઓલ સેન્ટ્સ ચર્ચ ખાતે એકઠા થયેલા સેંકડો સ્થળાંતર-વિરોધી કાર્યકરોએ 'સ્ટોપ ધ બોટ્સ'ના નારા લગાવીને ગેરકાયદેસર ઘૂસણખોરી સામે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, વંશવાદ વિરોધી જૂથોએ 'કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નથી' તેવા બેનરો સાથે વળતો જવાબ આપ્યો હતો. ગિલ્ડહોલ સ્ક્વેર અને સ્ટેશન રોડ પર બંને જૂથોને અલગ રાખવા માટે ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
પોર્ટસ્માઉથ સિવાય યુકેના ન્યૂકેસલ અને ગ્લાસગો જેવા અન્ય શહેરોમાં પણ આવા જ સામસામે પ્રદર્શનો યોજાયા હોવાના અહેવાલો છે. હેમ્પશાયર પોલીસે જણાવ્યું છે કે શરતોનું ઉલ્લંઘન કરનારા અને કાયદો હાથમાં લેનારા સામે આવનારા દિવસોમાં વધુ ધરપકડો કરવામાં આવશે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
