તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
માત્ર 99 રૂપિયામાં ઘરકામ માટે 'હેલ્પર': ભારતમાં ઉભર્યો ઓનલાઇન મેઇડ સર્વિસનો ક્રેઝ, પણ બંધ દરવાજા પાછળ મહિલાઓની સુરક્ષા કેટલી?
પ્રોન્ટો અને અર્બન કંપની જેવા સ્ટાર્ટઅપ્સ વચ્ચે જામી સ્પર્ધા; $9 બિલિયનના માર્કેટમાં ગૃહિણીઓ બની રહી છે હાઈટેક પ્રોફેશનલ, SOS બટન અને સેલ્ફ-ડિફેન્સની અપાય છે તાલીમ

નવી દિલ્હી : ભારતમાં અત્યારે એક નવો ગ્રાહક ક્રેઝ જોવા મળી રહ્યો છે: એપ પર એક ક્લિક કરો અને માત્ર 1 ડોલર એટલે કે અંદાજે 99 રૂપિયા પ્રતિ કલાકના દરે ઘરકામ માટે મદદ મેળવો. ઉબેર અને સ્વિગીની જેમ જ હવે ઘરની સાફ-સફાઈ, વાસણ કે રસોઈ માટે પ્રોન્ટો (Pronto), સ્નેબિટ (Snabit) અને અર્બન કંપની જેવા સ્ટાર્ટઅપ્સ હજારો મહિલાઓને તાલીમ આપીને મેદાનમાં ઉતારી રહ્યા છે. જોકે, આ આકર્ષક ઓફર્સની પાછળ મહિલા કામદારોની સુરક્ષાનો એક મોટો પ્રશ્ન પણ ઉભો થયો છે.
ડોક્ટર બનવાનું સ્વપ્ન અને નવી રોજગારી
નવી દિલ્હીના તાલીમ કેન્દ્રમાં કામ શીખી રહેલી 35 વર્ષીય ઇન્દુ જયસ્વાર જેવી હજારો મહિલાઓ માટે આ નોકરી આશાનું કિરણ બની છે. ઇન્દુ કહે છે, "જે કામ અમે વર્ષોથી મફતમાં ઘરે કરતા હતા, તેના માટે હવે અમને પૈસા મળશે. મારે મારા પુત્રને ડોક્ટર બનાવવો છે અને આ કમાણી તેમાં મદદરૂપ થશે." આ પ્લેટફોર્મ્સ પર આઠ કલાક કામ કરીને મહિલાઓ વર્ષે $5,000 (અંદાજે 4.2 લાખ રૂપિયા) સુધી કમાઈ શકે છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતા ઘણી વધારે છે.
બંધ દરવાજા પાછળ સુરક્ષાનું જોખમ
ઈ-કોમર્સ ડિલિવરી બોય દરવાજે સામાન આપીને જતો રહે છે, પરંતુ ઘરકામ કરનારી મહિલાઓએ અજાણ્યા ગ્રાહકોના ઘરમાં કલાકો વિતાવવા પડે છે. જાતીય સતામણીના કિસ્સાઓ વચ્ચે સુરક્ષા સૌથી મોટો પડકાર છે. આ માટે કંપનીઓએ એપમાં SOS બટન આપ્યું છે, જે દબાવતા જ સુપરવાઇઝરને એલર્ટ મળે છે. પ્રોન્ટો જેવી કંપનીઓ તો મહિલાઓને સેલ્ફ-ડિફેન્સની ટ્રેનિંગ પણ આપી રહી છે. જોકે, સામાજિક કાર્યકર શબનમ હાશ્મી પ્રશ્ન ઉઠાવે છે કે, "જ્યાં સુધી ગ્રાહકોનું બેકગ્રાઉન્ડ ચેક ન થાય, ત્યાં સુધી માત્ર SOS બટનથી સુરક્ષા કેવી રીતે શક્ય છે?"
ગ્રાહકો માટે સસ્તું, કંપનીઓ માટે ખોટનો સોદો?
અમેરિકામાં જે સેવાનો ભાવ પ્રતિ કલાક $30 છે, તે ભારતમાં માત્ર $1 માં મળી રહી છે. ગ્રાહકોને આકર્ષવા સ્ટાર્ટઅપ્સ ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અર્બન કંપનીના ડેટા મુજબ, દરેક હોમ-હેલ્પ ઓર્ડર પર કંપનીને અંદાજે 381 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અત્યારે કંપનીઓ પોતાના ખિસ્સામાંથી કામદારોને વધુ પગાર આપી રહી છે જેથી વધુ મહિલાઓ જોડાય. સ્નેબિટના સ્થાપક આયુષ અગ્રવાલ કહે છે કે, "યુવાન કપલ્સ અને સિંગલ્સમાં આ સેવા ખૂબ લોકપ્રિય છે, જેઓ માસિક નોકર રાખવાને બદલે જરૂર મુજબ મદદ ઈચ્છે છે."
વિચિત્ર ઓર્ડર્સ અને બદલાતી સંસ્કૃતિ
આ એપ પર માત્ર સાફ-સફાઈ જ નહીં, પણ વિચિત્ર ઓર્ડર્સ પણ મળે છે. કોઈ ગ્રાહકે '20 બટાકા છોલવા' માટે હેલ્પર બુક કરાવ્યો, તો કોઈએ 'લેગો બ્લોક્સ (રમતકડાં) ને રંગ મુજબ અલગ કરવા' માટે મદદ માંગી. 22 વર્ષીય નિશા ચાંડાલિયા જેવી યુવતીઓ, જેણે ઓછો પગાર અને વધુ કામને કારણે કોલ-સેન્ટરની નોકરી છોડી દીધી હતી, તે હવે આ ક્ષેત્રમાં સ્થિરતા શોધી રહી છે.
ભારતનું આ સફાઈ સેવા બજાર અંદાજે $9 બિલિયનનું છે અને 53 મિલિયન ઘરો સુધી ફેલાયેલું છે. ટેકનોલોજી અને ઘરકામનું આ મિલન લાખો મહિલાઓનું જીવન બદલી રહ્યું છે, પણ 'સલામતી' હજુ પણ સૌથી મોટો વણઉકેલ્યો કોયડો છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
