<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

જમ્‍મુ કાશ્‍મીરમાં નાકા ચેકિંગ સમયે કરોડોનું હેરોઈન જપ્ત

જમ્‍મુઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં ડ્રગ માફિયાઓ સામે ચાલી રહેલી ઝુંબેશમાં અનંતનાગ પોલીસને એક મોટી ઐતિહાસિક સફળતા મળી છે. હલમુલ્‍લા વિસ્‍તારમાં રૂટીન નાકા ચેકિગ દરમિયાન પોલીસે એક શંકાસ્‍પદ વાહનને રોકીને તલાશી લેતા તેમાંથી ૨.૬૧૩ કિલોગ્રામ હેરોઈન (બ્રાઉન સુગર) ના ચાર પેકેટ જપ્ત કર્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમત અંદાજે રૂ. ૨૦ કરોડ આંકવામાં આવી છે.

કાર ચાલક કે જેની ઓળખ ટંગધારના પ્રાળા નિવાસી અબ્‍દુલ રશીદ મોગલના પુત્ર ઈશ્‍તિયાક અહેમદ મોગલ તરીકે થઈ છે, તેની ધરપકડ કરીને એફઆઈઆર નંબર ૧૯૫/૨૦૨૬ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ નશીલો પદાર્થ ક્‍યાંથી આવ્‍યો, કોને પહોંચાડવાનો હતો અને આ ડ્રગ સિન્‍ડિકેટમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે.

બીજી તરફ, કુપવાડા પોલીસે પણ મોટી કાર્યવાહી કરતા એનડીપીએસ એક્‍ટ હેઠળ વિવિધ કેસોમાં જપ્ત કરાયેલ ૯૮.૭૭૫ કિલોગ્રામ ડ્રગ્‍સ પુલવામાના લસ્‍સીપોરા ખાતે નાશ કર્યું હતું. પોલીસ ક્રાઈમ હેડક્‍વાર્ટરના ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ અને અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ફાસ્‍ટ ટ્રેક કોર્ટના આદેશ મુજબ આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

(2:19 PM IST)