<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

હે...સૂપના ડબ્‍બાનું પેઇન્‍ટિંગ રૂા.૮૦ કરોડમાં વેચાયું

વર્ષો જૂની આ કલાકૃતિની આટલી ઊંચી કિમત સાંભળીને કળાપ્રેમીઓ પણ આヘર્યચકિત થઈ ગયા છે

ન્‍યૂયોર્ક તા.૨૫: તમે ક્‍યારેય વિચાર્યું છે કે બજારમાં સામાન્‍ય ભાવે મળતા સૂપના એક ડબ્‍બાની તસવીર કોઈને કરોડપતિ બનાવી શકે? સાંભળવામાં અજીબ લાગે, પરંતુ ન્‍યૂયોર્કમાં યોજાયેલી હરાજીમાં આવું જ બન્‍યું છે. વિશ્વપ્રસિદ્ધ કલાકાર એન્‍ડી વોરહોલે બનાવેલું સૂપના ડબ્‍બાનું પેઇન્‍ટિંગ અંદાજે ૮૦ કરોડ રૂપિયામાં વેચાયું છે. વર્ષો જૂની આ કલાકૃતિની આટલી ઊંચી કિમત સાંભળીને કળાપ્રેમીઓ પણ આヘર્યચકિત થઈ ગયા છે.

ન્‍યૂયોર્કના ક્રિસ્‍ટીઝ ઓક્‍શન હાઉસમાં યોજાયેલી હરાજીમાં એન્‍ડી વોરહોલની વર્ષ ૧૯૬૨ની કેમ્‍પબેલ્‍સ સૂપ કેન પેઇન્‍ટિંગ રજૂ કરવામાં આવી હતી. તેની બોલી ૪૦ લાખ ડોલરથી શરૂ થઈ હતી. જોકે, હરાજી દરમિયાન ખરીદદારો વચ્‍ચે રસ વધતાં અંતે આ પેઇન્‍ટિંગ ૯૦.૨૬ લાખ ડોલર એટલે કે અંદાજે ૮૦ કરોડ રૂપિયામાં વેચાયું હતું. આ પેઇન્‍ટિંગની ખાસ વાત એ છે કે કલાકારે તેને પોતાના હાથે તૈયાર કર્યું હતું.

એન્‍ડી વોરહોલે આ પેઇન્‍ટિંગ બનાવવા માટે લિનન પર કેસિન અને ગ્રેફાઇટનો ઉપયોગ કર્યો હતો. તેમની આ કલાકૃતિ કેમ્‍પબેલ્‍સ સૂપ કેન નામની જાણીતી શ્રેણીનો એક ભાગ છે. વોરહોલે સામાન્‍ય જીવનમાં જોવા મળતી વસ્‍તુઓને પોતાની કલ્‍પનાથી અલગ ઓળખ આપી હતી. શરૂઆતમાં તેમણે હાથથી આવી કલાકૃતિઓ બનાવી અને ત્‍યારબાદ આ જ વિષય પર સિલ્‍કસ્‍ક્રીન પ્રિન્‍ટિંગની મદદથી અનેક પેઇન્‍ટિંગ તૈયાર કર્યાં હતાં.

એન્‍ડી વોરહોલ વિશ્વના જાણીતા પોપ આર્ટ કલાકારોમાંના એક હતા. તેમની પેઇન્‍ટિંગ બનાવવાની રીત અન્‍ય કલાકારોથી ઘણી અલગ હતી. તેઓ રોજિદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્‍તુઓ, ખાદ્ય પદાર્થોના પેકેટ, જાહેરાતો અને ફિલ્‍મી કલાકારોને પોતાની કળાનો વિષય બનાવતા હતા. તેમના મતે કળા માત્ર ખાસ વસ્‍તુઓ સુધી મર્યાદિત હોવી જોઈએ નહીં, પરંતુ સામાન્‍ય વસ્‍તુઓમાં પણ કળા છુપાયેલી હોઈ શકે છે.

આ પેઇન્‍ટિંગ સાથે એન્‍ડી વોરહોલની એક રસપ્રદ વાત પણ જોડાયેલી છે. તેમણે એક વખત જણાવ્‍યું હતું કે તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી દરરોજ બપોરના ભોજનમાં કેમ્‍પબેલ્‍સ સૂપ પીતા હતા. આ જ કારણથી સૂપના ડબ્‍બા પ્રત્‍યે તેમનો ખાસ લગાવ હતો. તેમણે સામાન્‍ય સૂપના ડબ્‍બાને પોતાની કલાનું માધ્‍યમ બનાવીને દુનિયાભરમાં ઓળખ અપાવી. આજે તેમની આ જ વિચારસરણીને કારણે સામાન્‍ય દેખાતી વસ્‍તુનું પેઇન્‍ટિંગ પણ કરોડો રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

(11:23 AM IST)