તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
હિઝબુલ્લાહના નવા બોસનો 'ડેડલાઇન' મેસેજ: ઇઝરાયલ સાથે વાતચીતના ટેબલ પર નહીં : હવે સીધો રણમેદાનમાં જ ફેંસલો!
નઈમ કાસેમે શાંતિ માટે મૂકી પાંચ ‘અગ્નિપરીક્ષા’ જેવી શરતો: સૈનિકો પાછા ખેંચવાથી લઈને કેદીઓની મુક્તિ સુધીની માંગણીઓ સામે ઇઝરાયલ નમશે કે પછી લેબનોન પર વિનાશક હુમલાઓ વધુ તેજ થશે?

બેરૂત: મધ્ય પૂર્વના રણમેદાનમાં સળગતો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. હિઝબુલ્લાહના નવા વડા શેખ નઈમ કાસેમે સત્તા સંભાળતાની સાથે જ ઇઝરાયલ સામે મોરચો ખોલી દીધો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "અમે દુશ્મન સાથે સીધી વાતચીત કરવાના મૂડમાં નથી." લેબનોન સરકાર પર જ્યારે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, ત્યારે કાસેમનું આ આક્રમક વલણ સૂચવે છે કે હિઝબુલ્લાહ અત્યારે હથિયાર નીચે મૂકવા તૈયાર નથી. તેમણે લેબનોનના નેતાઓને પણ આડકતરી ચેતવણી આપી છે કે અમેરિકા કે ઇઝરાયલના ઈશારે થતા કોઈપણ સોદામાં હિઝબુલ્લાહને નબળું પાડવાનો પ્રયાસ ભારે પડી શકે છે.
યુદ્ધવિરામ માટે કાસેમે જે પાંચ શરતો મૂકી છે, તેણે ડિપ્લોમેટિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. તેમની માંગ છે કે ઇઝરાયલ માત્ર જમીન પર જ નહીં, પણ સમુદ્ર અને આકાશમાંથી પણ હુમલાઓ કાયમી ધોરણે બંધ કરે. આ ઉપરાંત, ઇઝરાયલી સૈનિકોનું પીછેહઠ કરવું, જેલમાં બંધ સાથીઓને મુક્ત કરવા, વિસ્થાપિત લોકોને પોતાના ઘરે પાછા ફરવા દેવા અને યુદ્ધમાં થયેલા નુકસાનનું પુનઃનિર્માણ કરવું જેવી કડક શરતો રજૂ કરી છે. ઇઝરાયલ માટે આ શરતો સ્વીકારવી એટલે પોતાની સૈન્ય હાર કબૂલવા સમાન છે, જે વર્તમાન સંજોગોમાં અશક્ય લાગી રહ્યું છે.
આ નિવેદન બાદ લેબનોન અત્યારે બે પથ્થર વચ્ચેની સોપારી જેવી હાલતમાં છે. એક તરફ ઇઝરાયલના વિનાશક બોમ્બમારાથી દેશને બચાવવાનું દબાણ છે, તો બીજી તરફ હિઝબુલ્લાહની શસ્ત્ર શક્તિ સરકારને કોઈ મોટો નિર્ણય લેતા અટકાવી રહી છે. આઈડીએફ (IDF) એ પહેલીવાર લેબનોનના કેટલાક વિસ્તારોના નવા નકશા જાહેર કરીને આક્રમક સંકેતો આપ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે શાંતિનો માર્ગ અત્યારે લોહીયાળ સંઘર્ષ તરફ વળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું અમેરિકા કોઈ નવો મધ્યસ્થી રસ્તો શોધી શકે છે કે પછી લેબનોનની ધરતી વધુ એક મોટા યુદ્ધની સાક્ષી બનશે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
