<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કીડીઓની હાઈટેક દાણચોરી: નૈરોબી એરપોર્ટ પર સિરીંજમાં છુપાવેલી 2200 કીડીઓ સાથે ચીની નાગરિક ઝડપાયો, પાલતુ બજારમાં એક કીડીની કિંમત હજારોમાં!

'કીડીઓની દુનિયાના વાઘ' ગણાતી વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડીઓના કાળા બજારનો પર્દાફાશ; એશિયા અને યુરોપમાં વિદેશી શોખ માટે જંગલી જીવો પર ખતરો

 

નૈરોબી, તા.૧૩: બાઇબલમાં જે કીડીને શાણપણ અને મહેનતનું પ્રતીક માનવામાં આવી છે, તે જ કીડી આજે આંતરરાષ્ટ્રીય તસ્કરો માટે કમાણીનું સાધન બની ગઈ છે. કેન્યાના નૈરોબીમાં સ્થિત જોમો કેન્યાટ્ટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વન્યજીવ તસ્કરીનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ચીની નાગરિક ઝાંગ કેકુન પોતાના સામાનમાં ખાસ પ્રકારની ટ્યુબ અને સિરીંજમાં ૨,૨૦૦ થી વધુ જીવંત કીડીઓ છુપાવીને ચીન જવાની ફિરાકમાં હતો, ત્યારે સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડ્યો છે.

એક કીડીની કિંમત ₹૨૫,૦૦૦ થી પણ વધુ!

તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સામાન્ય કીડીઓ નથી. આ પ્રજાતિને 'મેસોર સેફાલોટ્સ' અથવા 'વિશાળ આફ્રિકન હાર્વેસ્ટર કીડી' તરીકે ઓળખવામાં આવે છે. વિદેશી પાલતુ બજારો (Exotic Pet Markets) માં આ કીડીઓની ભારે માંગ છે. ઓનલાઈન સ્ટોર્સના ડેટા મુજબ, આ પ્રજાતિની એક 'રાણી કીડી'ની કિંમત યુરોપ અને એશિયામાં ૨૩૫ પાઉન્ડ (આશરે ₹૨૫,૦૦૦ થી વધુ) સુધી બોલાય છે. તસ્કર કેકુને આ કીડીઓ કેન્યાના સ્થાનિક શખ્સ પાસેથી માત્ર ૧૦૦ શિલિંગ (આશરે ₹૬૦) માં ખરીદી હતી.

ઇકોસિસ્ટમ માટે 'કીસ્ટોન' પ્રજાતિ પર સંકટ

કીટશાસ્ત્રીઓના મતે, આ કીડીઓ સવાના અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વની છે. તેઓ ઘાસના બીજ એકત્રિત કરી તેને જમીનમાં વિખેરે છે, જે પશુધન અને વન્યજીવો માટે ઘાસચારો પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. જો આ કીડીઓની આડેધડ ચોરી કરવામાં આવે, તો આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ શકે છે. વળી, આ કીડીઓને તેમના મૂળ નિવાસસ્થાનમાંથી બીજા દેશમાં લઈ જવાથી ત્યાં 'જૈવિક આક્રમણ' (Biological Invasion) નું જોખમ પણ રહે છે, જે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

કોર્ટે ફટકારી કડક સજા: એક વર્ષની જેલ

કેન્યાની કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા ચીની નાગરિક ઝાંગ કેકુનને એક વર્ષની જેલની સજા અને ૧ મિલિયન કેન્યાઈ શિલિંગનો દંડ ફટકાર્યો છે. મેજિસ્ટ્રેટ ઇરેન ગિચોબીએ જણાવ્યું હતું કે, વન્યજીવ તસ્કરીના વધતા કિસ્સાઓને રોકવા માટે આવી 'નિવારક સજા' જરૂરી છે. છેલ્લા એક વર્ષમાં કેન્યામાં કીડીઓની તસ્કરીનો આ ત્રીજો મોટો કિસ્સો છે, જેમાં અગાઉ બે બેલ્જિયન કિશોરો અને એક વિયેતનામી નાગરિક પણ હજારો કીડીઓ સાથે ઝડપાઈ ચૂક્યા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે હવે તસ્કરોની નજર હાથીદાંત કે ગેંડાના શિંગડા ઉપરાંત નાના જીવજંતુઓ પર પણ ઠરી છે.

(3:56 PM IST)