<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

દિલ્હીમાં આતંકી હુમલાનું હાઈ-એલર્ટ: ભાજપ મુખ્યાલય અને સરકારી ઈમારતો પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત, પાકિસ્તાની મોડ્યુલના કાવતરાથી રાજધાની છાવણીમાં ફેરવાઈ

આઈબીના ઈનપુટ્સ બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં: ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ મથકો પર આત્મઘાતી હુમલાની આશંકા વચ્ચે સ્નિફર ડોગ અને બોમ્બ સ્ક્વોડ તૈનાત

નવી દિલ્હી: સંભવિત આતંકવાદી ખતરાને પગલે દેશની રાજધાનીમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ બાદ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત કાર્યાલય અને મહત્વની સરકારી ઇમારતો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. વધારાના સશસ્ત્ર દળોની તૈનાતી સાથે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. એજન્સીઓને મધ્ય દિલ્હીના વ્યસ્ત વિસ્તારોમાં આત્મઘાતી હુમલા કે IED વિસ્ફોટ દ્વારા નિશાન બનાવવાની ચોક્કસ બાતમી મળી છે.

તાજેતરમાં જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરી 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ આતંકીઓ પ્રખ્યાત મંદિરો અને સુરક્ષા દળો પર ટાર્ગેટ કિલિંગનું ષડયંત્ર રચી રહ્યા હતા. લાલ કિલ્લા પાસે થયેલા અગાઉના કાર બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ધ્યાને રાખીને NIA હાલમાં સરહદ પારના જોડાણોની તપાસ કરી રહી છે, જેના પગલે સમગ્ર શહેરમાં નાકાબંધી અને વેરિફિકેશન ડ્રાઈવ તેજ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓએ મેટ્રો સ્ટેશન, બજારો અને પરિવહન કેન્દ્રો પર એન્ટી-સેબોટેજ ચેકિંગ શરૂ કર્યું છે. બોમ્બ સ્ક્વોડ અને ક્વિક રિએક્શન ટીમ (QRT) ને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસને શંકાસ્પદ હલચલ પર નજર રાખવા આદેશ અપાયા છે. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે ફાયર સર્વિસ અને અન્ય ઈમરજન્સી સેવાઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે.

(10:41 AM IST)