તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
પાલઘરની હોસ્પિટલમાં ડૉક્ટરોને ધમકી અને તોડફોડ કેસમાં હાઈકોર્ટની લાલ આંખ: શિવસેના ધારાસભ્યના પુત્ર સહિત ૧૪ આરોપીઓની ધરપકડ, પોલીસની નબળી કામગીરી સામે કોર્ટનો સખત ઠપકો
આઈસીયુમાંથી દર્દીઓને જબરદસ્તી બહાર કાઢી સ્ટાફ પર હુમલો કરવા મામલે કાર્યવાહી: હાઈકોર્ટે તપાસને ‘હાસ્યાસ્પદ’ ગણાવી કોંકણ ડિવિઝનના એડિશનલ આઈજીપી પાસે ૧૭ સપ્ટેમ્બર સુધીમાં માંગ્યો રિપોર્ટ

પાલઘર (મહારાષ્ટ્ર) : દહીંહંડી ઉત્સવ દરમિયાન ઘાયલ થયેલા ‘ગોવિંદા’ દર્દીઓની સારવારના બિલ મુદ્દે ખાનગી હોસ્પિટલમાં ઘૂસીને ભારે તોડફોડ કરવા તેમજ ડૉક્ટરો અને સ્ટાફ પર હુમલો કરવાના ચર્ચિત પ્રકરણમાં પાલઘર પોલીસે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે શિવસેનાના ધારાસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત ગાવિત સહિત ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ ૨૨ લોકો સામે એફઆઈઆર નોંધેલી છે.
આ સમગ્ર ઘટના ગત ૫મી સપ્ટેમ્બરની મધરાતે પાલઘરની રિલીફ હોસ્પિટલમાં બની હતી. ઘાયલ ગોવિંદાઓની સારવાર માટે હોસ્પિટલ દ્વારા વધુ પડતો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાનો દાવો કરીને શિવસેનાના સ્થાનિક કાર્યકરો હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા. ઉશ્કેરાયેલા તત્વોએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી, સ્થળ પર હાજર ડૉક્ટરોને ધમકાવ્યા હતા અને સ્ટાફ સાથે મારપીટ કરીને આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓને જબરદસ્તીથી બહાર કાઢી ગયા હતા. આ અગાઉ ૭મી સપ્ટેમ્બરે શિવસેના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરતની ધરપકડ કરાઈ હતી, જે બાદ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયો હતો.
બીજી તરફ, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં પાલઘર પોલીસની તપાસશૈલી સામે ભારે નારાજગી વ્યક્ત કરીને સખત ટકોર કરી છે. જસ્ટિસ એ. એસ. ગડકરી અને કમલ ખાટાની બેન્ચે પોલીસની કાર્યવાહીને ‘હાસ્યાસ્પદ અને ગંભીરપણે ભૂલભરેલી’ ગણાવતા કહ્યું હતું કે, પોલીસે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરી છે જેથી ભવિષ્યમાં આરોપીઓને જ ફાયદો થાય. પંચનામું તૈયાર કરવાથી લઈને કેસ ડાયરીની નોંધણી સુધીના કામમાં ગંભીર લાલિયાવાડી જોવા મળી છે.
હાઈકોર્ટે આ સમગ્ર કેસની તપાસ પર સીધી નજર રાખવા માટે કોંકણ ડિવિઝનના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને આદેશ આપ્યો છે અને પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે કે નહીં તેનો વિગતવાર રિપોર્ટ ૧૭ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડોમ્બિવલીની મહાપાલિકા હોસ્પિટલમાં થયેલા હુમલા અંગે હાઈકોર્ટે જાતે સંજ્ઞાન (સુઓ મોટો) લીધું હતું, જેની સુનાવણી દરમિયાન પાલઘરની આ શરમજનક ઘટનાની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
