<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ધારની વિવાદિત ભોજશાળા અંગે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : સમગ્ર સંકુલ હિન્દુ મંદિર હોવાનું જાહેર કર્યું

ASI ના વૈજ્ઞાનિક સર્વે પર ભરોસો મૂકી અદાલતે ૨૦૦૩નો આદેશ રદ કર્યો : ભોજશાળા મૂળભૂત રીતે સરસ્વતી મંદિર અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર હોવાનું પ્રસ્થાપિત : મુસ્લિમ પક્ષને નમાજ માટે અલગ જમીનનો વિકલ્પ અપાયો

ઈન્દોર : મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક ભોજશાળા સંકુલ અંગે હાઈકોર્ટે શુક્રવારે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર મહોર મારતા સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદિત સંકુલ વાસ્તવમાં દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર અને પ્રાચીન સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર છે. અદાલતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના વૈજ્ઞાનિક અહેવાલ અને ઐતિહાસિક પુરાવાઓને આધારે આ ચુકાદો આપ્યો છે.

 

ASI ના વૈજ્ઞાનિક તારણો પર અદાલતનો વિશ્વાસ:

હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે પુરાતત્વ એક વિજ્ઞાન છે અને અદાલત વૈજ્ઞાનિક અભ્યાસના આધારે મળેલા નિષ્કર્ષો પર સુરક્ષિત રીતે વિશ્વાસ કરી શકે છે. ASI ના સર્વેમાં સંકુલની અંદરથી મંદિર હોવાના અનેક સ્થાપત્યકીય સંકેતો, મૂર્તિઓ અને અવશેષો મળી આવ્યા હતા. અદાલતે નોંધ્યું કે ભોજશાળાનું મૂળ સ્વરૂપ રાજા ભોજના સમયનું છે, જે પરમાર વંશના શાસનકાળમાં વિદ્યાનું કેન્દ્ર હતું.

 

૨૦૦૩ની વ્યવસ્થા રદ - હિન્દુઓને પૂજાનો સંપૂર્ણ અધિકાર:

અદાલતે વર્ષ ૨૦૦૩માં ASI દ્વારા જારી કરાયેલા તે આદેશને રદ કરી દીધો છે, જેમાં હિન્દુઓના પૂજાના અધિકારો મર્યાદિત કરવામાં આવ્યા હતા અને મુસ્લિમોને નમાજ પઢવાની મંજૂરી અપાઈ હતી. અગાઉની વ્યવસ્થા મુજબ, હિન્દુઓને માત્ર મંગળવારે પૂજા અને મુસ્લિમોને શુક્રવારે નમાજની છૂટ હતી. હવે કોર્ટે હિન્દુ પક્ષની પૂજાની નિરંતરતાને સ્વીકારી છે અને સંકુલના સમગ્ર પ્રશાસન તેમજ વ્યવસ્થાપન અંગે નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સરકાર અને ASI ને સોંપી છે.

 

મુસ્લિમ પક્ષ માટે વૈકલ્પિક વ્યવસ્થાનો માર્ગ:

મુસ્લિમ પક્ષ અંગે ટિપ્પણી કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો તેઓ નમાજ જારી રાખવા માંગતા હોય, તો ધાર જિલ્લામાં અલગ જમીન મેળવવા માટે સરકારનો સંપર્ક કરી શકે છે. સરકારે શ્રદ્ધાળુઓ માટે પાયાની સુવિધાઓ અને કાયદો-વ્યવસ્થા જાળવવી એ તેમનું બંધારણીય દાયિત્વ છે. આ દરમિયાન, હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો હતો અને લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી વાગ્દેવીની મૂર્તિ પરત લાવવાની માંગ પર પણ કોર્ટે વિચારણા કરવાની તૈયારી દર્શાવી હોવાનું જણાવ્યું હતું.

 

ભોજશાળાનો ભવ્ય ઈતિહાસ:

ઐતિહાસિક વિગતો મુજબ, ૧૦૦૦ થી ૧૦૫૫ ઈસવી દરમિયાન ધારમાં પરમાર વંશના રાજા ભોજનું શાસન હતું. તેમણે ૧૦૩૪ ઈસવીમાં આ મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી, જેને 'ભોજશાળા' તરીકે ઓળખવામાં આવે છે. ઈતિહાસકારોના મતે, ૧૩૦૫માં અલાઉદ્દીન ખીલજીએ તેને ધ્વસ્ત કર્યું હતું અને ત્યારબાદના સમયમાં મુસ્લિમ શાસકોએ અહીં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. ૧૮૭૫માં થયેલા ખોદકામમાં પણ અહીંથી સરસ્વતી દેવીની પ્રતિમા મળી આવી હતી. હાઈકોર્ટના આ તાજેતરના ફેંસલાથી સદીઓ જૂના વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે.

(3:29 PM IST)