તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક : ગુજરાતમાં નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ : પાલનપુર-સામખિયાળી માર્ગના કામો ઝડપી બનાવવા પર ભાર
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે આગામી ત્રણ મહિનામાં ભાવનગર સુધી લંબાવવાની કામગીરી શરૂ કરાશે : જમીન સંપાદન સરળ બનાવવા ગુજરાતે અપનાવેલું બિનખેતી મંજૂરી સ્થગિત કરવાનું મોડલ દેશ માટે ઉદાહરણરૂપ હોવાનું કહી કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર .10: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા નેશનલ હાઈવેના વિવિધ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં નવેમ્બર-૨૦૨૫માં રાજ્ય સરકાર સાથે યોજાયેલી અગાઉની બેઠકના સંદર્ભમાં અત્યાર સુધી થયેલી કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રગતિ અંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌરે આપેલી માહિતી અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન મુખ્યમંત્રીના સલાહકાર દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-૪૮ના સિક્સ લેનની કામગીરી, મોરબી-સામખિયાળી માર્ગ પર આવેલા સામખિયાળી-માળિયા સેક્શન પરના વિકાસ કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે અને અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની વિગતો આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર તેમજ અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પણ બેઠકમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અંતર્ગત કાર્યરત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. આ સાથે જ તેમણે સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે જરૂરી વધારાનું ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ખૂબ જ ત્વરિત ગતિએ કેન્દ્રીય મંત્રાલયને મોકલી આપવા માટે રાજ્ય સરકારને ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગોના DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનોના સંપાદનને સરળ બનાવવા માટે બિનખેતી (NA) મંજૂરી અંગેની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાતના મોડલને બિરદાવ્યું હતું. તેમણે આ નવતર પ્રયોગ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપતા ઉમેર્યું કે, ગુજરાતનું આ પ્રશંસનીય મોડલ સમગ્ર દેશના અન્ય રાજ્યો માટે પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ બની શકે તેમ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુચારું અને સચોટ સંકલનના પરિણામે જ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદન સહિતની જટિલ કામગીરીમાં મોટી ગતિ લાવી શકાઈ છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ પાલનપુર-સામખિયાળી કોરિડોરના માર્ગ વિસ્તરણના કામોમાં વધુ ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને ખાસ વિનંતી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશ સમક્ષ અપનાવેલો પર્યાવરણપ્રિય વિકાસનો અનોખો અભિગમ આગળ ધપાવતા નીતિન ગડકરીએ પર્યાવરણના રક્ષણ અંગે ભાર મૂક્યો હતો. તેમણે વિવિધ માર્ગોના રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં જે વૃક્ષો કાપવામાં આવતા હોય, તેને કાપવાના બદલે તે જ રોડ પર અન્યત્ર વૈજ્ઞાનિક ઢબે ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણની કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક સૂચના આપી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતિ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર આલોક દીપાંકર, રાજમાર્ગ મંત્રાલયના ચીફ એન્જિનીયર મનોજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ માર્ગ-મકાન સચિવ પ્રભાત પટેલિયા, ખાસ સચિવ ગાંધી સહિત NHAI અને રાજ્ય સરકારના સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
