તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જંતર-મંતર પર વિપક્ષનું હલ્લાબોલ :પોલીસ સાથે અથડામણ
જનપથથી જંતર-મંતર સુધી રસ્તાઓ છાવણીમાં ફેરવાયા: રસ્તા પર બેસીને પ્રિયંકા ગાંધીએ નોંધાવ્યો વિરોધ અને રાહુલ ગાંધીની અટકાયતથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: દિલ્હીની શેરીઓમાં રાજકીય સંગ્રામ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકના નેતાઓ અને સાંસદોએ મોરચો ખોલી દીધો છે. જનપથ સ્થિત સાગર રત્ન રેસ્ટોરન્ટમાં તમામ વિપક્ષી સાંસદો ભેગા થયા બાદ જેવા તેઓ જંતર-મંતર તરફ આગળ વધ્યા કે તરત જ દિલ્હી પોલીસે આખા વિસ્તારને ચુસ્ત બંદોબસ્ત સાથે ઘેરી લીધો હતો. દિલ્હી પોલીસે સમગ્ર કનેક્ટિંગ રૂટ પર બેરિકેડ્સ ખડકી દીધા હતા અને કલમ ૧૬૩ (CrPC 144) લાગુ કરીને કોઈપણ પ્રકારના માર્ચ કે વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
પોલીસના આ આકરા વલણ સામે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડ્રા અને રાહુલ ગાંધીએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે ધક્કામુક્કી વચ્ચે પ્રિયંકા ગાંધી રસ્તા પર જ બેસી ગયા હતા અને પોલીસ કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ બસમાં અટકાયત કરવામાં આવ્યા બાદ પણ નેતાઓ જમીન પર બેસીને લોકશાહીના રક્ષણ માટે પોતાના અવાજને બુલંદ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ચારેય તરફથી સુરક્ષાદળો અને પોલીસે ઘેરી લીધા હતા. બસની અંદર અને બહાર હાજર કોંગ્રેસી કાર્યકરોએ "લોકોના મત ચોરી કરવા નહીં દઈએ" જેવા બેનરો અને નારાઓ સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું.
આ આખા વિરોધ પ્રદર્શન વચ્ચે વિપક્ષી એકતામાં ફરી એકવાર તિરાડ જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટી (SP)એ યોગ્ય રીતે આમંત્રણ અને સંદેશાવ્યવહાર ન મળ્યો હોવાનું કહીને આ પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું હતું. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ટૂંક સમયમાં દિલ્હી પહોંચી રહ્યા હોવાથી આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. ઈન્ડિયા બ્લોકે મુખ્ય ચૂંટણી કમિશનર અને સરકાર પર દબાણ લાવવા માટે આગામી આખા અઠવાડિયા સુધી વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
