તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 23rd May 2026
ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: કોર્ટે પતિ સમર્થના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા
ભોપાલની અદાલતે મુખ્ય આરોપી સમર્થ સિંહને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો : પુરાવાનો નાશ થવાની આશંકા વચ્ચે દિલ્હી AIIMS ના ચાર સિનિયર ડોક્ટરોની ટીમ રવિવારે કરશે બીજું પોસ્ટમોર્ટમ

ભોપાલ : દેશભરમાં ચર્ચા જગાવનારા હાઈપ્રોફાઈલ ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં શનિવારે કોર્ટ રૂમની અંદર ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ત્વિષાના પતિ અને મુખ્ય આરોપી સમર્થ સિંહને અદાલતમાં રજૂ કરીને સઘન પૂછપરછ માટે સાત દિવસની કસ્ટડી માગી હતી. કોર્ટે પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખીને સમર્થના સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં ત્વિષાનો ભાઈ હર્ષિત પણ હાજર રહ્યો હતો, જોકે અપ્રિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા હર્ષિત અને આરોપી સમર્થ વચ્ચે ચુસ્ત સલામત અંતર જાળવવામાં આવ્યું હતું.
પીડિત પરિવારના વકીલ અનુરાગ શ્રીવાસ્તવે કોર્ટના આ નિર્ણય બાદ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોલીસ રિમાન્ડ મેળવવામાં ઓલરેડી ઘણો વિલંબ થઈ ચૂક્યો છે. ત્વિષાની સાસુ ગિરિબાલા સિંહને આગોતરા જામીન મળ્યા હોવાથી તે છેલ્લા ૧૦-૧૨ દિવસથી એ જ ઘરમાં મુક્તપણે ફરી રહી છે, જેના કારણે કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવાનો નાશ થવાની પૂરેપૂરી આશંકા છે. સાસુ અને પતિ દ્વારા સોશિયલ મીડિયા પર મૃતક ત્વિષા પર ડ્રગ્સ લેવાના ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, અને તપાસને ભટકાવવા માટે તેઓ ત્વિષાના રૂમમાં જાણીજોઈને કોઈ નશીલી વસ્તુ પ્લાન્ટ કરી શકે છે તેવો ગંભીર ડર વકીલે વ્યક્ત કર્યો છે.
આ રહસ્યમય મૃત્યુ પાછળનું સાચું સત્ય બહાર લાવવા માટે હવે ત્વિષા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કોર્ટના આદેશથી દિલ્હી AIIMS ના ડિરેક્ટરે ફોરેન્સિક ચીફ ડૉ. સુધીર ગુપ્તાની આગેવાની હેઠળ ચાર સિનિયર ડોક્ટરોનું એક સ્પેશિયલ મેડિકલ બોર્ડ ગઠિત કર્યું છે, જે રવિવારે ભોપાલ AIIMS ખાતે આ આખી પ્રક્રિયા પૂર્ણ કરશે. બીજી તરફ પીડિત પક્ષના અન્ય એક વકીલ અંકુર પાંડેએ જણાવ્યું કે આરોપી સમર્થ સિંહનો પાસપોર્ટ સરેન્ડર કરાવી લેવાયો છે, જ્યારે પુરાવા સુરક્ષિત રાખવા માટે દાખલ કરાયેલી અન્ય ત્રણ અરજીઓ પર આગામી ૨૯મી તારીખે સુનાવણી હાથ ધરાશે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
