તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
હાઈવે પર ઓવરલોડિંગ હવે પડશે ભારે: સીધો કપાશે દંડ : કાલથી સમગ્ર દેશમાં ઓવરલોડિંગના નવા નિયમો અમલી
10% થી 40% ઓવરલોડિંગ: આ કિસ્સામાં ચાલકે નિર્ધારિત ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે: 40% થી વધુ ઓવરલોડિંગ: જો વાહન અત્યંત ભારે ઓવરલોડ હશે, તો ટોલ ટેક્સના ચાર ગણા નાણાં વસૂલવામાં આવશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે દેશભરના નેશનલ હાઈવે પર માલવાહક વાહનોના સંચાલન અને ઓવરલોડિંગને અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આગામી 15 એપ્રિલથી સમગ્ર દેશમાં ઓવરલોડિંગના નવા નિયમો અમલી બનવા જઈ રહ્યા છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈવે પર થતા અકસ્માતો રોકવા, રસ્તાઓની જાળવણી કરવી અને દંડની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે. આ ફેરફારથી ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોના દૈનિક કામકાજ પર મોટી અસર પડશે.
નવા નિયમોમાં સરકારે વાહન માલિકોને એક મોટી રાહત પણ આપી છે. હવે જો વાહનમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતા 10 ટકા સુધી વધારાનું વજન હશે, તો વાહન ચાલક પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ વસૂલવામાં આવશે નહીં. અગાઉના કડક નિયમોમાં થોડી છૂટછાટ આપીને સરકારે ટ્રાન્સપોર્ટરોની રજૂઆતોને ધ્યાને લીધી છે. જોકે, આ છૂટછાટ માત્ર 10 ટકાની મર્યાદા સુધી જ સીમિત રહેશે, તેનાથી વધુ વજન હશે તો ભારે દંડની જોગવાઈ છે.
જો વાહન 10 ટકાથી વધુ ઓવરલોડ હશે, તો દંડની રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. દંડનું માળખું નીચે મુજબ રહેશે:
- 10% થી 40% ઓવરલોડિંગ: આ કિસ્સામાં ચાલકે નિર્ધારિત ટોલ ટેક્સ કરતા બમણો ટેક્સ ભરવો પડશે.
- 40% થી વધુ ઓવરલોડિંગ: જો વાહન અત્યંત ભારે ઓવરલોડ હશે, તો ટોલ ટેક્સના ચાર ગણા નાણાં વસૂલવામાં આવશે.
આ કડક જોગવાઈ પાછળનો હેતુ રસ્તાઓ પર ક્ષમતા કરતા વધુ ભાર વહન કરતા વાહનોને અટકાવવાનો છે.
આ વખતે સરકારે દંડ વસૂલવાની પદ્ધતિમાં પણ ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. હવે દંડની રકમ રોકડમાં નહીં, પરંતુ સીધી વાહનના FASTag એકાઉન્ટમાંથી કાપવામાં આવશે. ટોલ પ્લાઝા પર લાગેલા વેઈંગ મશીન દ્વારા વાહનનું વજન થશે અને તેનો ડેટા સીધો સરકારના 'વાહન' પોર્ટલ પર અપલોડ થઈ જશે. આ ડિજિટલ પ્રક્રિયાને કારણે ભ્રષ્ટાચારની શક્યતા નહિવત બની જશે અને ચાલકોએ ટોલ બૂથ પર લાંબો સમય ઉભા રહેવું પડશે નહીં.
સરકારે નિયમોમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જો કોઈ ટોલ પ્લાઝા પર વેઈંગ મશીન ખરાબ હશે અથવા ટેકનિકલ ખામી હશે, તો તે સંજોગોમાં વાહન ચાલક પાસેથી કોઈ પણ પ્રકારનો ઓવરલોડિંગ દંડ લેવામાં આવશે નહીં. આ જોગવાઈથી વાહન ચાલકોને ખોટી હેરાનગતિમાંથી મુક્તિ મળશે. ટ્રાન્સપોર્ટરોને હવે 15 એપ્રિલ પહેલા પોતાના વાહનોના વજન અંગે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
