<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કર્ણાટકમાં ફરી ભભૂકશે હિજાબ વિરુદ્ધ કેસરી શાલનો વિવાદ: કોંગ્રેસ સરકારના નવા નોટિફિકેશન સામે ૧ જૂનથી શ્રી રામ સેનાએ ઘડી રણનીતિ

ગણવેશ નીતિના ભંગનો આરોપ લગાવી શાળાઓ-કોલેજોમાં ભગવી શાલ વહેંચશે પ્રમોદ મુથાલિક; વર્ષ ૨૦૨૨ જેવા કોમી તણાવની આશંકાથી તંત્ર હરકતમાં

દાવણગેરે, તા.૨૨: કર્ણાટકમાં હિજાબ વિરુદ્ધ કેસરી શાલનો વિવાદ એકવાર ફરી ચરમસીમાએ પહોંચે તેવી પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના જૂના પ્રતિબંધો હટાવવા અને પાઘડી, કડા, તિલક, પવિત્ર રાખ તથા કલાવા જેવા મર્યાદિત ધાર્મિક પ્રતીકોને મંજૂરી આપવાના નિર્ણય સામે હિન્દુ સંગઠનોએ મોરચો માંડ્યો છે. ‘શ્રી રામ સેને’ સત્તાવાર જાહેરાત કરી છે કે, સરકારના આ ભેદભાવભર્યા નિર્ણયના વિરોધમાં આગામી ૧ જૂનથી શાળાઓ અને કોલેજો ખુલતાની સાથે જ વિદ્યાર્થીઓને મોટા પાયે કેસરી શાલનું વિતરણ કરવામાં આવશે.
કોંગ્રેસે પેટાચૂંટણી જીતવા તુષ્ટિકરણ કર્યું હોવાનો સનસનીખેજ આરોપ
દાવણગેરેમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારના ૨૦૨૨ના નોટિફિકેશનને ઉલટાવીને કોંગ્રેસે મુસ્લિમ વોટબેંકને સાધવા નવું જાહેરનામું બહાર પાડ્યું છે. મુથાલિકે ઉમેર્યું કે, “તાજેતરની પેટાચૂંટણી દરમિયાન જે રાજકીય સમીકરણો રચાયા, તેના કારણે મુસ્લિમ સમુદાયને શાંત કરવા સરકારે હિજાબનો મુદ્દો ફરી સજીવન કર્યો છે. આ નિર્ણય માત્ર રાજકીય સ્વાર્થ પ્રેરિત છે અને તેનાથી રાજ્યમાં ફરી એકવાર કોમી રમખાણો અને સંઘર્ષની સ્થિતિ પેદા થઈ શકે છે.”
૪૦ વર્ષ જૂની ગણવેશ નીતિના ધજાગરા ઉડ્યાનો દાવો
શ્રી રામ સેનાના વડાએ ભારપૂર્વક જણાવ્યું કે, વિદ્યાર્થીઓમાં સમાનતા જળવાઈ રહે અને જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન થાય તે માટે દાયકાઓ પહેલાં દેશમાં યુનિફોર્મ (ગણવેશ) નીતિ લાવવામાં આવી હતી. યોગાનુયોગ ૪૦ વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે જ આ નિયમ દેશભરમાં સખત રીતે લાગુ કર્યો હતો, પરંતુ આજે તેઓ પોતે જ પોતાના સિદ્ધાંતોનો ભંગ કરીને હિજાબને મંજૂરી આપી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે, જો મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની છૂટ મળતી હોય, તો હિન્દુ વિદ્યાર્થીઓને પણ કેસરી શાલ ઓઢવાનો પૂરો અધિકાર છે અને તેઓ તેને રોકી નહીં શકે.
અલ કાયદાના કનેક્શનથી લઈને ગૌહત્યાના મુદ્દે કેન્દ્ર સામે વિરોધની ચીમકી
બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ પણ સરકારના આ આદેશનો ઉગ્ર વિરોધ કર્યો છે. અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, કારણ કે વર્ષ ૨૦૨૨માં આ વિવાદને કારણે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ હતી. તે સમયે વૈશ્વિક આતંકવાદી સંગઠન ‘અલ કાયદા’ ના તત્કાલીન વડા અયમાન અલ-ઝવાહિરીએ પણ આ વિવાદમાં કૂદીને મંડ્યાની વિદ્યાર્થીની મુસ્કાન ખાનના વખાણ કરતો વીડિયો જાહેર કર્યો હતો.
આ પત્રકાર પરિષદમાં મુથાલિકે દેશમાંથી થતી ગૌમાંસની નિકાસ અંગે પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, શ્રી રામ સેને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પશુપાલન વિભાગને પત્ર લખીને વાર્ષિક આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ગૌમાંસની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જો કેન્દ્ર સરકાર આ મુદ્દે કડક પગલાં નહીં લે, તો સંગઠન દેશવ્યાપી મોટું આંદોલન શરૂ કરશે. હાલમાં, ઉનાળાના વેકેશન બાદ ૧ જૂનથી જ્યારે શૈક્ષણિક સત્ર નવેસરથી શરૂ થશે, ત્યારે કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓ યુદ્ધના મેદાનમાં ફેરવાય તેવી ચિંતાથી પોલીસ તંત્ર અત્યારથી જ એલર્ટ થઈ ગયું છે.

(5:03 PM IST)