News of Saturday, 18th July 2026
હિમાચલ સરકારનો મોટો નિર્ણય: શિમલા ડેન્ટલ કોલેજ હવે 'રાજીવ ગાંધી ડેન્ટલ કોલેજ' તરીકે ઓળખાશે, હમીરપુરમાં ₹૩૦૦ કરોડનું આધુનિક રિસર્ચ સેન્ટર મંજૂર
સીએમ સુખવિંદર સિંહ સુખુએ આરોગ્ય ક્ષેત્રે કરી મોટી જાહેરાતો: સરકારી હોસ્પિટલોમાં રોબોટિક સર્જરી અને 3-ટેસ્લા MRI જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે

શિમલા : હિમાચલ પ્રદેશના તબીબી શિક્ષણ અને આરોગ્ય માળખાને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે બે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. એસોસિએશન ઓફ ઓરલ એન્ડ મેક્સિલોફેસિયલ સર્જન્સ ઓફ ઈન્ડિયા (AOMSI) ના હિમાચલ પ્રદેશ ચેપ્ટરના ચોથા વાર્ષિક સંમેલનની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, રાજ્યની પ્રતિષ્ઠિત ડેન્ટલ કોલેજ શિમલાનું નામ બદલીને હવે 'રાજીવ ગાંધી ડેન્ટલ કોલેજ, શિમલા' કરવામાં આવ્યું છે. આ સાથે જ દંત ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે હમીરપુરમાં ₹૩૦૦ કરોડના જંગી ખર્ચે અત્યાધુનિક 'ડેન્ટલ હેલ્થ રિસર્ચ સેન્ટર' સ્થાપવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
મેડિકલ સેક્ટરમાં રોજગારી અને અદ્યતન સારવારનો નવો યુગ:
મુખ્યમંત્રી સુખુએ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, હમીરપુરમાં આકાર લેનારું નવું ડેન્ટલ રિસર્ચ સેન્ટર માત્ર હિમાચલ જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કેન્દ્રથી સેંકડો સ્થાનિક યુવાનો અને તબીબી વ્યાવસાયિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને સામાન્ય લોકોને અત્યંત સસ્તી તેમજ અદ્યતન દંત સારવાર સુવિધાઓ ઘરઆંગણે જ મળી રહેશે.
સરકારી હોસ્પિટલોમાં રોબોટિક સર્જરીથી સારવાર:
રાજ્યના હેલ્થ કેર સેક્ટરમાં થઈ રહેલા ક્રાંતિકારી સુધારાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ગર્વભેર જણાવ્યું કે, "થોડા વર્ષો પહેલા હિમાચલ જેવા પહાડી રાજ્યની સરકારી હોસ્પિટલોમાં રોબોટિક સર્જરી અને '3-ટેસ્લા એમઆરઆઈ' (3-Tesla MRI) જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. પરંતુ આજે અમારી સરકારના સકારાત્મક પ્રયાસોથી આ બધું શક્ય બન્યું છે." હવે સરકાર તમામ જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને હાઇટેક ટેકનોલોજીથી સજ્જ કરી રહી છે જેથી ગરીબ દર્દીઓને સારવાર માટે ચંદીગઢ કે દિલ્હી જેવા અન્ય રાજ્યોમાં ધક્કા ન ખાવા પડે.
હિમાચલના ડોકટરોએ વિદેશમાં વગાડ્યો ડંકો:
આ ગૌરવપૂર્ણ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જનોની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ માત્ર દર્દીઓની શારીરિક સારવાર જ નથી કરતા, પરંતુ ગંભીર રોગો કે અકસ્માત બાદ દર્દીઓનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરી નવું જીવન આપે છે. શિમલાની ડેન્ટલ કોલેજમાંથી ભણીને બહાર પડેલા ડોકટરો આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ સેવાઓ આપીને હિમાચલનું નામ રોશન કરી રહ્યા છે.
આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય સુરેશ કુમાર, કોંગ્રેસ નેતા પવન ઠાકુર, ડેન્ટલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ ભારદ્વાજ, AOMSI ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. આશિષ ગુપ્તા સહિત તબીબી ક્ષેત્રના અનેક દિગ્ગજો અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
