<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

હિમાચલમાં ૧૫ વર્ષમાં બીજી વખત સૌથી ઓછું સફરજન ઉત્‍પાદન

સફરજન મોંઘા થશેઃખેડૂતોને રૂ.૨,૦૦૦ કરોડનું નુકસાન : ઉત્‍પાદન અડધાથી પણ ઓછું

શિમલાઃ તા.૫: હિમાચલ પ્રદેશને સફરજનનું સ્‍વર્ગ કહેવામાં આવે છે, અહીંના ઊંચા પહાડો પર આવેલા લીલાછમ બગીચાઓમાં દર વર્ષે લાખો ટન સફરજનનું ઉત્‍પાદન થાય છે અને દેશના વિવિધ રાજ્‍યોમાં મોકલવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઓછા પુરવઠાને કારણે ભાવમાં વધારો થાય તો નવાઈ નહીં. જોકે અહીંના સફરજનનું ઉત્‍પાદન હજારો પરિવારોની રોજીરોટીનું સાધન છે. પરંતુ આ વખતે હવામાનમાં થયેલા ફેરફારો અને ખેતીની જૂની પદ્ધતિઓએ ખેડૂતોની મુશ્‍કેલી વધારી દીધી છે, જે બગીચાઓમાં સફરજનથી વૃક્ષોની ડાળીઓ લચી પડતી હતી, ત્‍યાં આ વખતે ફળોની સંખ્‍યા ઘણી ઓછી જોવા મળી રહી છે. અહીં સ્‍થિતિ એટલી ગંભીર બની છે કે હિમાચલમાં છેલ્‍લા ૧૫ વર્ષમાં બીજી વખત સૌથી ઓછું સફરજન ઉત્‍પાદન નોંધાયું છે. ઉત્‍પાદન અડધાથી પણ ઓછું થઈ જતાં ખેડૂતોને અંદાજે ૨,૦૦૦ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું છે.

આ માત્ર સફરજનના ઓછા ઉત્‍પાદનની વાત નથી, પરંતુ હજારો ખેડૂતોના પરિવારની આવક, બાળકોના ભણતર અને આખા વર્ષના ખર્ચ સાથે જોડાયેલો મોટો પ્રશ્ન છે. ત્‍યારે સવાલ એ છે કે આખરે હિમાચલના સફરજનના બગીચાઓમાં એવું તો શું થયું કે ઉત્‍પાદન આટલું ઘટી ગયું? શું જૂના બગીચાઓ આ સંકટનું મોટું કારણ છે અને શું હાઈ ડેન્‍સિટી પ્‍લાન્‍ટેશન (HDP) પદ્ધતિ ખેડૂતોની મુશ્‍કેલીઓ દૂર કરી શકશે?

હિમાચલ પ્રદેશમાં આ વખતે સફરજનનું ઉત્‍પાદન ગયા વર્ષોની સરખામણીએ ઘણું ઓછું રહ્યું છે. સૌથી ચિતાજનક વાત એ છે કે ઉત્‍પાદન અડધાથી પણ ઓછું થઈ ગયું છે. બાગાયત વિભાગના જણાવ્‍યા પ્રમાણે સફરજનની સિઝન પૂરી થઈ ગઈ છે. અત્‍યાર સુધી રાજ્‍યની મંડીઓમાં પહોંચેલા સફરજનના આંકડા પણ ઉત્‍પાદનના ઘટાડાની ગંભીરતા દર્શાવે છે.

સફરજનના ઉત્‍પાદનમાં ઘટાડા પાછળનું એક મોટું કારણ જૂના પરંપરાગત બગીચાઓ છે. રાજ્‍યમાં ઘણા બગીચાઓમાં સફરજનનાં વૃક્ષો વર્ષો જૂનાં થઈ ગયાં છે. તેના કારણે તેમની ઉત્‍પાદન ક્ષમતા ઘટી રહી છે. આવા બગીચાઓમાં નવી પદ્ધતિ અપનાવવાની જરૂરિયાત વધી રહી છે. જૂનાં વૃક્ષોના સ્‍થાને નવી જાતનાં છોડ લગાવવાથી ઉત્‍પાદન વધારવામાં મદદ મળી શકે છે.

 

(10:08 AM IST)