<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

પીએમ મોદીએ વિદેશી મેહમાનોને ખવડાવ્‍યા હિમાલયન મશરૂમઃ કિમત ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો

બ્રિક્‍સ ડિનરની સૌથી મોંઘી ડીશ! મેનૂમાં બીજું શું ખાસ હતું? : ગુચ્‍છી માર્મિક જે હિમાલયન ગુચ્‍છી એટલે કે મોરલ મશરૂમમાંથી તૈયાર કરવામાં આવી હતીઃ ગુચ્‍છી સાથે શતાવરી, કેસર, કિસમિસ અને મામરા બદામનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હી તા.૧૪: ૧૮મી BRICS સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માટે ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મેનૂમાં હિમાલયન ગુચ્‍છી મશરૂમથી તૈયાર કરાયેલી ‘ગુચ્‍છી માર્મિક' સહિત અનેક ખાસ ભારતીય વાનગીઓ પીરસાઈ હતી. જાણો ગુચ્‍છી મશરૂમ શું છે, તેની ખાસિયત, સંભવિત ફાયદા અને કિમત.

દિલ્‍હીના ભારત મંડપમમાં આ સમિટમાં વિશ્વભરના નેતાઓ ભાગ લેવા પહોંચ્‍યા હતા. BRICS સમિટમાં ભાગ લેનારા નેતાઓ અને વિદેશી મહેમાનો માટે શનિવારે ખાસ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ડિનરમાં ભારતીય ભોજનની વિવિધતાને ખાસ અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.

મેનૂમાં ખંડવી મિલેફયુ, ખુમ્‍બ ગલૌટી, પનીર લબાબદાર, મિલેટ પુલાવ, બીટરૂટ રાયતા અને શહતૂત ફિરની જેવી અનેક વાનગીઓનો સમાવેશ થતો હતો. આમાંથી એક ખાસ વાનગી હતી 'ગુચ્‍છી માર્મિક' જે હિમાલયન ગુચ્‍છી એટલે કે મોરલ મશરૂમમાંથી તૈયાર કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, તેમાં ગુચ્‍છી સાથે શતાવરી, કેસર, કિસમિસ અને મામરા બદામનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો, જે તેને ડિનર મેનૂની સૌથી ખાસ વાનગી બનાવે છે. આ વાનગી એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં વપરાયેલ મશરૂમ સામાન્‍ય નથી. કેમ?

ગુચ્‍છી એક પ્રકારનું જંગલી મોરલ મશરૂમ છે, જે મોર્ચેલા પ્રજાતિ સાથે સંબંધિત છે. તે હિમાચલ પ્રદેશ, જમ્‍મુ-કાશ્‍મીર અને ઉત્તરાખંડના કેટલાક હિમાલયન વિસ્‍તારોમાં કુદરતી રીતે જોવા મળે છે. તેની ખાસ ઓળખ તેની જાળીદાર અથવા મધપૂડા જેવી ટોપી છે. સામાન્‍ય મશરૂમની સરખામણીમાં ગુચ્‍છી ઘણી મોંઘી હોય છે. તેનું કારણ એ છે કે તેને મોટા પાયે ઉગાડવામાં આવતી નથી અને જંગલોમાંથી હાથથી એકત્રિત કરવામાં આવે છે. એટલું જ નહીં, તેની મોસમ પણ મર્યાદિત હોય છે અને પહાડી વિસ્‍તારોમાં તેને શોધવું ખૂબ જ મહેનતનું કામ છે.

ગુચ્‍છીની કિમત તેની ગુણવત્તા, ગ્રેડ અને ઉપલબ્‍ધતા અનુસાર બદલાય છે. ૨૦૨૬ના કેટલાક માર્કેટ સોર્સ અનુસાર, સારી ગુણવત્તાની સૂકી ગુચ્‍છી લગભગ ૨૫,૦૦૦ થી ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ શકે છે, જ્‍યારે કેટલાક રિપોર્ટ્‍સમાં પ્રીમિયમ ગુચ્‍છીની કિમત ૩૦,૦૦૦ થી ૫૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો જણાવવામાં આવી છે.

મોરલ મશરૂમમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન ડી અને મિનરલ્‍સ જેવા પોષક તત્‍વો જોવા મળે છે. તેને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કોલેસ્‍ટ્રોલ ઘટાડવાના ગુણધર્મો હોય છે. એટલું જ નહીં, આ મશરૂમ રોગપ્રતિકારક શક્‍તિને વધારવામાં, પાચનમાં સુધારો કરવામાં અને લોહીની ઉણપને દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

ગુચ્‍છી ઉપરાંત મેનૂમાં ખુમ્‍બ ગલૌટી, પનીર લબાબદાર, મિલેટ પુલાવ, થક્કાલી બેલે સારુ, બીટરૂટ રાયતા અને ભારતીય બ્રેડનો સમાવેશ થતો હતો. મીઠાઈમાં શહતૂત ફિરની અને ઓલ્‍ડ દિલ્‍હી ફ્રુટ ક્રીમ સાથે જલેબી પીરસવામાં આવી હતી. આ રીતે ડિનર દ્વારા દેશના અલગ-અલગ ભાગોના સ્‍વાદને વિદેશી મહેમાનો સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો.

(9:59 AM IST)