તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Tuesday, 8th September 2026
વધતા તાપમાન અને આબોહવા પરિવર્તનના કારણે હિમાલય ઝડપથી પીગળી રહ્યો છે: પૃથ્વીના ત્રીજા ધ્રુવ પર મંડરાઈ રહેલું ભયાનક વિનાશનું જોખમ
નેપાળ અને ઉત્તરાખંડની દુર્ઘટનાઓથી ખળભળાટ: ગ્લેશિયરો તૂટવાથી અને પર્માફ્રોસ્ટ ઓગળવાથી એશિયાના અબજો લોકોના જીવન સામે સર્જાયું મોટું સંકટ

નવી દિલ્હી તા.08: દક્ષિણ અને ઉત્તર ધ્રુવ પછી પૃથ્વી પર સૌથી વધુ બરફ ધરાવતા હિમાલય ક્ષેત્રમાં તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે ગંભીર જોખમો ઊભા થયા છે. તાજેતરમાં નેપાળમાં હિમાલય હિમનદી પતનની ઘટનાને ભૂકંપશાસ્ત્રીઓએ છેલ્લા બે દાયકાની સૌથી ભયંકર ઘટના માની છે, જેમાં લેંગટાંગ લિરુંગ પર્વતોના ઢોળાવ પર હિમનદી તૂટવાથી લાખો ક્યુબિક મીટર બરફ અને કાટમાળ ખીણમાં પડતાં ભોટેકોશી અને ત્રિશુલી ખીણોમાં વિનાશક પૂર આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન એજન્સીના અહેવાલ મુજબ, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ આ પ્રકારની આફતોની સંભાવના અને ઘાતકતામાં સતત વધારો કરી રહી છે.
હિમાલયની ૬૦,૦૦૦થી વધુ હિમનદીઓ એશિયાની દસ મુખ્ય નદીઓનો મુખ્ય સ્ત્રોત છે, જે ભારત, ચીન અને મધ્ય એશિયાના અબજો લોકોને પાણી, ખોરાક અને ઊર્જા પૂરી પાડે છે. પરંતુ વધતા પ્રદૂષણ અને કાર્બન કણોના કારણે હિમનદીઓ પર કાળો પડ જમા થઈ રહ્યો છે, જેનાથી બરફ સૂર્યની ગરમી શોષીને ઝડપથી પીગળી રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષોમાં નેપાળના હિમનદીઓમાંનો એક તૃતીયાંશ બરફ ઓગળી ગયો છે અને છેલ્લા દાયકામાં આ પીગળવાનો દર ૬૫ ટકા જેટલો વધી ગયો છે. આ ઉપરાંત, પર્વતો પરની સદીઓથી થીજી ગયેલી માટી (પર્માફ્રોસ્ટ) સિમેન્ટનું કામ કરતી હતી, જે હવે ઓગળી જવાને કારણે હિમનદીઓ અને તળાવોમાં તિરાડો પડી રહી છે, જેના પરિણામે કેદારનાથ અને ચમોલી જેવી ગંભીર દુર્ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અહેવાલ મુજબ હિમાલયમાં ૮,૦૦૦થી વધુ ગ્લેશિયર તળાવો છે, જેમાંથી ૨૦૦થી વધુ તળાવો ગમે ત્યારે તૂટી પડવાની અત્યંત જોખમી સ્થિતિમાં છે. જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવાય, તો આ સદીના અંત સુધીમાં હિમનદીઓ સંપૂર્ણપણે સુકાઈ જશે અને નદીઓ મોસમી બની જતાં રણ જેવી વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે ભારત, ચીન અને નેપાળ સહિતના હિમાલયી દેશોએ સાથે મળીને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવું પડશે તેમજ જોખમી હિમનદી તળાવોની અગાઉથી જ આગાહી અને દેખરેખ રાખતી મજબૂત પ્રણાલી ગોઠવવી અનિવાર્ય બની ગઈ છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
