<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

હિમવર્ષાથી ખીલી ઉઠયો હિમાલય! લોકોમાં ખુશીનો માહોલ

જમ્‍મુ-કાશ્‍મીરનાં ભદરવાહથી મનાલી સુધી બરફની સફેદ ચાદર

શિમલા,તા.૧૬: નવેમ્‍બર મહિનામાં હિમાલયની વાદીઓએ જાણે કુદરતી સુંદરતાનો ખજાનો ખોલી દીધો છે. જમ્‍મુ-કાશ્‍મીરની ભદરવાહ ખીણથી લઈને હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલી સુધી હિમવર્ષાએ કુદરતનો અદભુત નજારો સર્જ્‍યો છે. લાંબી રાહ બાદ જમ્‍મુ-કાશ્‍મીરની ભદરવાહ ખીણમાં તાજી હિમવર્ષા થતાં ગુલડંડા, ચત્તરગલ્‍લા, પાદરી, ભાલ પાદરી અને બચ ધાર સહિતનાં પ્રવાસન સ્‍થળો બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયાં છે.

 હિમવર્ષાથી સ્‍થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. ખાસ કરીને હોટલ સંચાલકો, વાહનચાલકો, ગાઈડ અને નાના વેપારીઓને પ્રવાસીઓની સંખ્‍યા વધવાની આશા જાગી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના મનાલીની આસપાસના ઊંચા પહાડો પર પણ હિમવર્ષાથી નજારો બદલાઈ ગયો છે.

બરફથી ઢંકાયેલા પહાડો અને ખીણોમાં ખીલેલો કુમળો તડકો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. તો બીજી તરફ દિલ્‍હી-NCRમાં AQI ૪૦૦ને પાર પહોંચતાં પ્રદૂષિત હવાથી રાહત મેળવવા પ્રવાસીઓ શિમલા અને મનાલી તરફ વળી રહ્યા છે. શિમલાના ખુશનુમા વાતાવરણ અને સ્‍વચ્‍છ હવાની સાથે બરફીલા પહાડો વચ્‍ચે ફોટોગ્રાફી અને વીકએન્‍ડની રજાઓ માણવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. આમ, હિમવર્ષાએ હિમાલયની વાદીઓમાં કુદરતી સૌંદર્યની સાથે સ્‍થાનિક પ્રવાસન ઉદ્યોગની આશાઓ પણ જીવંત કરી છે.

(9:51 AM IST)