તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
આસામમાં હિમંતાનો જાદુ ચાલ્યોઃ વિપક્ષના સૂપડા સાફ
ગૌરવ ગોગોઈના નેતળત્વવાળા મોરચાના તમામ ગણિતો ઊંધા પડયાઃ ભાજપની હેટ્રિક પાકી થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ સીમાંકન પછીની પ્રથમ અને સૌથી નિર્ણાયક જંગમાં જનતાએ વિકાસ અને અરુણદોઈ યોજના પર મહોર મારી

ગુવાહાટી, તા.૪: આસામની ધરતી પર આજે માત્ર મતગણતરી જ નથી થઈ, પરંતુ રાજકીય ઈતિહાસનું એક નવું પ્રકરણ લખાયું છે. સવારથી જ જ્યારે ૪૦ મતગણતરી કેન્દ્રો પર ઈવીએમ ખુલવા લાગ્યા, ત્યારે વાતાવરણમાં ઉત્તેજના ચરમસીમાએ હતી. ૧૨૬ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૬૪નો આંકડો પાર કરવાનો હતો, પરંતુ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના નેતળત્વમાં ભાજપે એવી સુનામી સર્જી કે વિપક્ષી ગઠબંધનના પાયા હચમચી ગયા. શરૂઆતના વલણોથી જ ભાજપે ૬૯ બેઠકો પર મજબૂત પકડ જમાવી લીધી હતી, જે દર્શાવે છે કે સીમાંકન પછી બદલાયેલા સમીકરણો પણ ભાજપના વિજય રથને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
ચૂંટણી પંચની ચુસ્ત સુરક્ષા અને ૧૨૬ નિરીક્ષકોની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલી આ પ્રક્રિયામાં પારદર્શિતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. કોકરાઝારથી લઈને તિનસુકિયા સુધીના કેન્દ્રો પર જ્યારે પરિણામો જાહેર થવા લાગ્યા, ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન માત્ર ૧૫ બેઠકો પર સમેટાઈ ગયું હોય તેવું જણાયું હતું. ભ્રષ્ટાચાર અને નાગરિકતા જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની વિપક્ષની રણનીતિ જનતાના દરબારમાં નિષ્ફળ સાબિત થઈ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અરુણદોઈ જેવી કલ્યાણકારી યોજનાઓની સીધી અસર મતોના સ્વરૂપમાં ભાજપના ખાતામાં જોવા મળી રહી છે.
હાલમાં આસામના દરેક ખૂણે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે. ભાજપ કાર્યાલયોની બહાર આતશબાજી અને મીઠાઈ વહેંચણીનો દોર શરૂ થઈ ગયો છે. આ જીત માત્ર બેઠકોનો આંકડો નથી, પરંતુ હિમંતા બિસ્વા શર્માના નેતળત્વ પર જનતાનો અતૂટ વિશ્વાસ છે. રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરીને ભાજપે સાબિત કરી દીધું છે કે ઉત્તરપૂર્વમાં તેમનો કિલ્લો અભેદ્ય છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રચંડ બહુમતી સાથે નવી સરકાર આસામના વિકાસને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
