<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

હિન્દી દિવસ ૨૦૨૬: દેહરાદૂનમાં સાહિત્યકારોનો મહાકુંભ; સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું- "ભાષા શરીર છે તો સાહિત્ય તેનો આત્મા છે"

ઉત્તરાખંડમાં સાહિત્યકારો પ્રોત્સાહિત કરવા બે 'સાહિત્યિક ગામો' વિકસાવાશે; સ્થાનિક બોલીઓ અને માતૃભાષાના સંરક્ષણ સાથે હિન્દીને વિજ્ઞાન-ટેકનોલોજી સાથે જોડવા અપીલ

દેહરાદૂન : હિન્દી દિવસ ૨૦૨૬ ના પવિત્ર અવસરે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન ખાતે એક ભવ્ય સાહિત્યિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ખાસ ઉપસ્થિત રહીને હિન્દી ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સાહિત્યકારો અને લેખકોનું સન્માન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનોએ નવી નવી ટેકનોલોજી અપનાવવી જોઈએ અને વિવિધ ભાષાઓ પણ શીખવી જોઈએ, પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યેનો ગર્વ અને જોડાણ ક્યારેય ઓછું ન થવું જોઈએ.

 

મુખ્યમંત્રી ધામીએ સાહિત્યનું મહત્વ સમજાવતા કહ્યું કે, "હિન્દી ભારતનો આત્મા છે અને તે માત્ર સંચારનું માધ્યમ નથી પરંતુ રાષ્ટ્રીય ચેતનાની સશક્ત અભિવ્યક્તિ છે. જો ભાષા એ શરીર છે, તો સાહિત્ય તેનો આત્મા છે. સાહિત્ય જ કોઈપણ ભાષાને કાલાતીત બનાવીને ભાવિ પેઢીઓ સુધી જીવંત રાખે છે." તેમણે ઉમેર્યું કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિએ એવા અનેક મહાન લેખકો આપ્યા છે જેમણે દેશના સાહિત્યિક વારસાને સમૃદ્ધ બનાવ્યો છે.

 

રાજ્યમાં સ્થપાશે 'સાહિત્યિક ગામો' અને પ્રકાશકોને આર્થિક સહાય

ઉત્તરાખંડ સરકાર પ્રાદેશિક બોલીઓ અને સ્થાનિક સાહિત્યના સંરક્ષણ માટે 'ઉત્તરાખંડ સાહિત્ય ગૌરવ સન્માન યોજના' ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે બે ખાસ 'સાહિત્યિક ગામો' (Literary Villages) પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આ ગામો લેખકો, વાચકો અને સાહિત્યપ્રેમીઓ માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડશે. આ ઉપરાંત, નવા અને આશાસ્પદ સ્થાનિક લેખકોના પુસ્તકોના પ્રકાશન માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવાની પણ મોટી જાહેરાત કરાઈ છે.

 

મુખ્યમંત્રીએ હિન્દીને માત્ર વર્ગખંડો કે સાહિત્યિક પુસ્તકો સુધી સીમિત ન રાખતાં તેને વિજ્ઞાન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નવી ટેકનોલોજીની ભાષા બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હિન્દી ભાષાને વધુમાં વધુ સુલભ બનાવવા માટે યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું.

(8:40 PM IST)