<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

હિન્‍દુ ધર્મ એક જીવન શૈલી, મંદિરે જવું ફરજિયાત નથીઃ કોર્ટ

વ્‍યક્‍તિ પોતાની ઝૂંપડીમાં દીવો પ્રગટાવે તો તે પણ ધાર્મિક આસ્‍થાને સાબિત કરવા પૂરતો

નવી દિલ્‍હી તા.૧૪: હિન્‍દુ ધર્મ અંગે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્‍યું હતું કે હિન્‍દુ ધર્મ માત્ર એક ધર્મ નહીં, પરંતુ જીવન જીવવાની રીત છે અને હિન્‍દુ રહેવા માટે વ્‍યક્‍તિએ ફરજિયાત મંદિરે જવું કે ધાર્મિક વિધિઓ કરવી ફરજિયાત નથી. ઘરમાં માત્ર એક દીવો પ્રગટાવવો પણ વ્‍યક્‍તિની ધાર્મિક શ્રદ્ધા સાબિત કરવા માટે પૂરતો છે.

કેરળના સબરીમાલા મંદિર સહિતના વિવિધ ધર્મસ્‍થળોમાં મહિલાઓ સામે ભેદભાવ સંબંધિત પિટિશનોની સુનાવણી દરમિયાન મુખ્‍ય ન્‍યાયમૂર્તિ સુર્યાકાંતની આગેવાની હેઠળ નવ જજની બનેલી બંધારણીય ખંડપીઠે આ અવલોકન કર્યું હતું.

આ મામલે સુનાવણીના ૧૫મા દિવસે વકીલ ડો. જી. મોહન ગોપાલે દલીલ કરી હતી કે ધાર્મિક સમુદાયોમાં સામાજિક ન્‍યાયની માંગ ઊભી થઈ રહી છે. હિન્‍દુ ધર્મને એક ધાર્મિક કેટેગરી તરીકે વ્‍યાખ્‍યાયિત કરવામાં આવ્‍યો હતો. આ પછી ૧૯૬૬માં એવું માનવામાં આવ્‍યું કે હિન્‍દુ તે છે જે વેદોને ધર્મ અને તત્‍વજ્ઞાનની તમામ બાબતોમાં સર્વોચ્‍ચ સત્તા તરીકે સ્‍વીકારે છે. તેમણે મને ક્‍યારેય પૂછ્‍યું નહીં. અમારામાંથી કોઈએ ક્‍યારેય એવું કહ્યું નહીં. મને વેદો પ્રત્‍યે ખૂબ માન અને પ્રશંસા છે, પરંતુ શું આજકાલ હિદુ તરીકે ઓળખાતા દરેક વ્‍યક્‍તિ વેદોને તમામ આધ્‍યાત્‍મિક અને તત્ત્વજ્ઞાનિક મુદ્દાઓમાં સર્વોચ્‍ચ સત્તા માને છે?

આ દલીલના જવાબમાં ન્‍યાયમૂર્તિ બી વી નાગરથનાએ જણાવ્‍યું હતું કે એટલા માટે જ હિન્‍દુ ધર્મને જીવનશૈલી કહેવામાં આવે છે. હિદુ રહેવા માટે ફરજિયાત મંદિરે જવું કે ધાર્મિક વિધિ કરવી જરૂરી નથી. કોઈ વ્‍યક્‍તિ માટે કડક ધાર્મિક વિધિઓનું પાલન કરવું જરૂરી નથી અને કોઈ પણ વ્‍યક્‍તિની આસ્‍થાના માર્ગમાં અવરોધ ઉભો કરી શકે નહીં.

મુખ્‍ય ન્‍યાયાધીશ સુર્યકાંતે પણ ટિપ્‍પણી કરી હતી કે જો કોઈ વ્‍યક્‍તિ પોતાની ઝૂંપડીમાં દીવો પ્રગટાવે તો તે પણ તેના ધર્મ અને આસ્‍થાને સાબિત કરવા પૂરતું છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે નોંધ્‍યું હતું કે જો દરેક ધાર્મિક પ્રથા અથવા ધાર્મિક બાબતને બંધારણીય અદાલતમાં પડકારમાં આવે તો અદાલતોમાં સૈંકડો અરજીઓ આવશે અને દરેક ધર્મ તૂટી જશે.

૨૦૧૮ના સપ્‍ટેમ્‍બરમાં પાંચ ન્‍યાયાધીશોની બંધારણીય બેન્‍ચે ૪:૧ના બહુમતી ચુકાદાથી સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો. અદાલતે સદીઓ જૂની આ હિદુ ધાર્મિક પ્રથાને ગેરકાયદેસર અને બંધારણ વિરુદ્ધ ગણાવી હતી.

 

(10:32 AM IST)