તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 21st September 2026
ભારતીય સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: પોખરણના રણમાં સ્વદેશી એટેક ડ્રોન 'KAL' નું સફળ પરીક્ષણ, ૧૦૦૦ કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનોનો સર્વનાશ કરશે
૫૦ કિલો સુધી વિસ્ફોટક લઈ જવામાં સક્ષમ અલ્ટ્રા-લોન્ગ રેન્જ વન-વે 'કિલર' ડ્રોનથી ભારતની સૈન્ય તાકાતમાં તોતિંગ વધારો: ખાડી દેશોએ પણ ખરીદવામાં દર્શાવ્યો રસ

જેસલમેર (પોખરણ), તા.૨૧: ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટી છલાંગ લગાવીને ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારતીય ડિફેન્સ કંપની 'IG Defence' દ્વારા રાજસ્થાનના પોખરણ ખાતે સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા વન-વે એટેક ડ્રોન 'KAL' નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ૧૦૦૦ કિલોમીટરની તોતિંગ રેન્જ અને ૫૦ કિલોગ્રામ સુધીના પેલોડ (વિસ્ફોટકો) વહન કરવાની ક્ષમતા ધરાવતું આ અલ્ટ્રા-લોન્ગ રેન્જ કામિકાઝે ડ્રોન ભારતીય સેના માટે દુશ્મનો સામે એક અચૂક અને કાળ સમાન હથિયાર સાબિત થશે.
પોખરણ ખાતે યોજાયેલા આ ટ્રાયલ દરમિયાન ડ્રોનના ઈન્ટિગ્રેટેડ એરફ્રેમ, પ્રોપલ્શન, નેવિગેશન અને મિશન આર્કિટેક્ચરનું અત્યંત સચોટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને વાહન પર માઉન્ટ કરાયેલા મોબાઈલ લૉન્ચર પ્લેટફોર્મ પરથી રસ્તા પર ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. આ માટે કોઈ ચોક્કસ રનવે કે ફિક્સ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી નથી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના સંઘર્ષોએ સાબિત કર્યું છે કે આવા સસ્તા અને ઘાતક વન-વે ડ્રોન દુશ્મનની એર-ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરવામાં કેવા નિર્ણાયક સાબિત થાય છે.
AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય નિકાસ માટે સજ્જ
IG ડિફેન્સના ફાઉન્ડર અને CEO બોધિસત્ત્વ સંઘપ્રિયાના જણાવ્યા મુજબ, 'KAL' ડ્રોન ભારતને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. આ ડ્રોનને કંપનીની 'Grid' નામની એડવાન્સ્ડ AI-પાવર્ડ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે પણ જોડવામાં આવ્યું છે, જે યુદ્ધ સમયે એકસાથે અનેક ડ્રોન વચ્ચે સીમલેસ સંકલન પૂરું પાડે છે. જરૂરી સરકારી મંજૂરીઓ મળ્યા બાદ આ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવામાં આવશે, જેમાં ખાસ કરીને ખાડી દેશોએ ભારત પાસેથી આ ડ્રોન ખરીદવામાં ભારે રસ દર્શાવ્યો છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
