<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લંબાવવા અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અંગેની ઐતિહાસિક સમજૂતી અધ્ધરતાલ : વ્હાઇટ હાઉસમાં બે કલાકની બેઠક બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય બાકી

પરમાણુ હથિયારો ન બનાવવા અને દરિયાઈ સુરૂંગો નષ્ટ કરવા અંગે અમેરિકાની કડક શરતો, તો સામા પક્ષે ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાગેર કલિબાફે કહ્યું- 'અમે વાતોથી નહીં, મિસાઇલોથી મનાવીએ છીએ'

 વોશિંગ્ટન:  અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયંકર તણાવને શાંત કરવા અને વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) ને ફરીથી આંતરરાષ્ટ્રીય પરિવહન માટે ખુલ્લી મૂકવા અંગેની સંભવિત સમજૂતી હાલ પૂરતી અટવાઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં પોતાના ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો સાથે આશરે બે કલાક સુધી લાંબી બેઠક યોજી હતી. જોકે, આ મહત્વપૂર્ણ બેઠક બાદ પણ ઈરાન સાથેના અસ્થાયી કરારને આગળ વધારવો કે નહીં તે અંગે કોઈ અંતિમ નિર્ણય લઈ શકાયો નથી. બીજી તરફ, ઈરાન સરકાર દ્વારા પણ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે આ કરાર હજી સુધી આખરી ઓપ પામી શક્યો નથી.

 ડોનાલ્ડ ટ્રમ્પની કડક 'રેડલાઇન્સ' અને પરમાણુ જથ્થો નષ્ટ કરવાની માંગ:

વ્હાઇટ હાઉસની આ બેઠક પૂર્વે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મામલે એક 'અંતિમ નિર્ણય' લેવા તરફ જોઈ રહ્યા છે. વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ માત્ર એવા જ કરાર પર હસ્તાક્ષર કરશે જે તેમની નિર્ધારિત શરતો એટલે કે 'રેડલાઇન્સ' ને સંતોષતી હોય અને ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓ પર સંપૂર્ણપણે અંકુશ લગાવતી હોય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "ઈરાન એ વાત પર સહમત થવું જ પડશે કે તેઓ ક્યારેય પણ પરમાણુ હથિયાર કે બોમ્બ નહીં બનાવે." આ સાથે જ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરિવહન માટે ખુલ્લા કરવા અને ત્યાં બિછાવેલી તમામ દરિયાઈ સુરૂંગોનો નાશ કરવાની શરત પણ મૂકવામાં આવી છે.

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના અહેવાલ મુજબ, ઈરાન પાસે હાલ ૪૪૦.૯ કિલોગ્રામ જેટલો ૬૦ ટકા શુદ્ધતા ધરાવતો સંવર્ધિત યુરેનિયમનો જથ્થો ઉપલબ્ધ છે, જે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી ૯૦ ટકાની શુદ્ધતાથી માત્ર એક જ તકનીકી કદમ દૂર છે. ગયા વર્ષે અમેરિકી હુમલામાં ઈરાનની ત્રણ પરમાણુ સાઇટોને ભારે નુકસાન થયું હોવા છતાં આ જથ્થો જમીનની અંદર સુરક્ષિત હોવાનું મનાય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ જથ્થાને જમીનમાંથી બહાર કાઢીને અમેરિકા, ઈરાન અને આઈએઈએના સંકલન સાથે સંપૂર્ણપણે નષ્ટ (DESTROYED) કરવાની માંગ કરી છે.

 ઈરાનનો અમેરિકા પર અવિશ્વાસ અને મિસાઈલ પાવરનું પ્રદર્શન:

ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાગેર કલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકા પ્રત્યે તીવ્ર અવિશ્વાસ વ્યક્ત કરતા લખ્યું છે કે, "અમને કોઈ ગેરંટી કે શબ્દો પર ભરોસો નથી, માત્ર એક્શન પર જ વિશ્વાસ છે. જ્યાં સુધી સામેનો પક્ષ કોઈ નક્કર પગલું નહીં ભરે, ત્યાં સુધી ઈરાન કોઈ પહેલ નહીં કરે." તેઓએ વધુમાં આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે, "અમે વાટાઘાટો દ્વારા કોઈ છૂટછાટો મેળવતા નથી, પરંતુ અમારી મિસાઇલોના જોરે મેળવીએ છીએ." ઉલ્લેખનીય છે કે, વિતેલા એક વર્ષમાં પરમાણુ વાટાઘાટો ચાલુ હોવા છતાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર બે વાર મોટા સૈન્ય હુમલા કર્યા હોવાથી ઈરાન છંછેડાયેલું છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સરકારી ન્યૂઝ ચેનલ પર જણાવ્યું કે, કરાર હજુ ફાઇનલ થયો નથી. અમેરિકાના નાયબ રાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે અગાઉ એવા સંકેત આપ્યા હતા કે પ્રારંભિક તબક્કે સામાન્ય શરતો નક્કી કરીને આગામી સમયમાં વિગતવાર ચર્ચા કરી શકાય છે, પરંતુ તેનાથી વિપરીત ઇસ્માઇલ બઘાઈએ સ્પષ્ટ કર્યું કે ઈરાન અત્યારે માત્ર યુદ્ધના અંત પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને પરમાણુ યોજનાની વિગતો પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી. ઈરાનની અન્ય શરતોમાં અબજો ડોલરના ફ્રીઝ થયેલા ફંડને મુક્ત કરવા તેમજ લેબનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલી લડાઈ પર સંપૂર્ણ યુદ્ધવિરામ લાવવાનો સમાવેશ થાય છે. ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહિમ અઝીઝીએ પણ ટ્વીટ કર્યું કે, ઈરાનની શરત સાફ છે - 'કેશ સામે કેશ, ક્રેડિટ સામે ક્રેડિટ, કશું જ મફતમાં નહીં'.

 ૬૦ દિવસનો પ્રસ્તાવિત યુદ્ધવિરામ અને હોર્મુઝ જળમાર્ગનો વિવાદ:

એસોસિએટેડ પ્રેસ (AP) અને અન્ય ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈરાનના વાટાઘાટકારો એક કામચલાઉ સમજૂતી પર પહોંચ્યા છે, જે અંતર્ગત હાલના નાજુક યુદ્ધવિરામને વધુ ૬૦ દિવસ માટે લંબાવવાનો પ્રસ્તાવ છે જેથી નવા તબક્કાની વાટાઘાટો થઈ શકે. આ પ્રસ્તાવિત સમજૂતી હેઠળ ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ ટેક્સ કે ટોલ ટેક્સ વસૂલ કરી શકશે નહીં અને તેને ૩૦ દિવસની અંદર તમામ દરિયાઈ સુરૂંગો હટાવવી પડશે. બદલામાં અમેરિકા ઈરાનના બંદરો પરથી નાકાબંધી હટાવશે અને તેના તેલ વેચાણ પરના પ્રતિબંધો હળવા કરશે.

આ દરમિયાન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ઓમાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાતચીત કરીને જણાવ્યું કે, હોર્મુઝ જળમાર્ગનું સંચાલન ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે વૈશ્વિક સમુદાયના હિતોને ધ્યાનમાં રાખીને કરશે. જોકે, આ મામલે બુધવારે જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના સાથી દેશ ઓમાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ઓમાને ઈરાન સાથે મળીને આ જળમાર્ગ પર નિયંત્રણ મેળવવાનો કોઈ કરાર કર્યો તો અમેરિકા તેમને પણ બોમ્બથી ઉડાવી દેશે.

 વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર:

ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે કરેલા અણધાર્યા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અને અન્ય ટોચના અધિકારીઓના મોત થયા બાદથી ઈરાને આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને વ્યવહારિક રીતે બંધ કરી દીધો છે. આ માર્ગ પરથી વિશ્વનો એક પંચમાંશ (૨૦ ટકા) જેટલો ક્રૂડ ઓઈલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. યુદ્ધ પૂર્વે અહીંથી રોજ ના ૧૦૦ થી વધુ જહાજો પસાર થતા હતા જે ઘટીને હવે માત્ર ૨૪ જેટલા થઈ ગયા છે. આ નાકાબંધી અને ઈરાન દ્વારા વસૂલવામાં આવતા ગેરકાયદેસર ટોલ ટેક્સના કારણે વૈશ્વિક બજારમાં ઈંધણ અને અન્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની ગંભીર અસર મધ્ય-પૂર્વની બહાર પણ અનુભવાઈ રહી છે. વિતેલા સાત અઠવાડિયાથી બંને દેશો વચ્ચે અવારનવાર નાના હુમલા અને આક્ષેપબાજી થતી રહે છે, પરંતુ પૂર્ણ કક્ષાનું યુદ્ધ ટાળીને વાટાઘાટો ચાલુ રાખવામાં આવી છે.

(3:38 PM IST)