હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વસ્તીગણતરીના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર: હવે ખાનગી શાળાના શિક્ષકો, બેંક કર્મચારીઓ અને આઈટી સ્ટાફ પણ દેશની વસ્તી ગણવાની કામગીરીમાં આપી શકશે સેવા
કેન્દ્ર સરકારે 'વસ્તીગણતરી (સુધારા) નિયમો, 2026' કર્યા જાહેર; વ્યાપક માનવબળ ઉપલબ્ધ થવાથી આગામી જનગણના પ્રક્રિયા બનશે વધુ ઝડપી અને પારદર્શી

નવી દિલ્હી : દેશમાં આગામી રાષ્ટ્રીય વસ્તીગણતરી (Census) ની પ્રક્રિયાને વધુ સુચારુ, વ્યાપક અને ઝડપી બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા 'જનગણના અધિનિયમ, 1948' ની સત્તાનો ઉપયોગ કરીને 'વસ્તીગણતરી નિયમો, 1990' માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે અને સત્તાવાર રીતે 'વસ્તીગણતરી (સુધારા) નિયમો, 2026' ની ગેઝેટ અધિસૂચના બહાર પાડવામાં આવી છે. આ નવા સંશોધનને કારણે હવે વસ્તીગણતરી માટે નોંધણીકારો (Enumerators) તરીકે સેવા આપવા માટે પાત્ર વ્યક્તિઓના વર્તુળને અત્યંત વિશાળ કરી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી વસ્તીગણતરીની આ જવાબદારી મુખ્યત્વે સરકારી કર્મચારીઓ અને શાળાઓના શિક્ષકો પૂરતી મર્યાદિત હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો, ક્લાર્ક તેમજ વિવિધ સંસ્થાઓ અને બેંક તથા જાહેર સાહસોના કર્મચારીઓ પણ આ મહત્વની રાષ્ટ્રીય જવાબદારી નિભાવી શકશે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા આ અધિસૂચના જારી કરવામાં આવી છે. જે અનુસાર શિક્ષણ ક્ષેત્રમાં સરકારી, અર્ધસરકારી તેમજ તમામ બિન-સહાયતા પ્રાપ્ત (Non-aided) ખાનગી શાળાઓ અને ટ્રસ્ટોના શિક્ષકો પણ પાત્ર બનશે.
આ ઉપરાંત વહીવટી અને નાણાકીય ક્ષેત્રને આવરી લેતા કેન્દ્ર કે રાજ્ય સરકારના ઉપક્રમો, જાહેર સાહસો (PSU), તમામ સરકારી અને ખાનગી બેંકો, રજિસ્ટર્ડ કંપનીઓ તેમજ સોસાયટીઓના ક્લાર્ક તથા અન્ય જવાબદાર અધિકારીઓને પણ આ પ્રક્રિયામાં જોડવામાં આવશે. આ નવા સુધારા અંતર્ગત રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ખાસ વિવેકાધીન સ્વતંત્રતા આપવામાં આવી છે કે જો સ્થાનિક સ્તરે માનવબળની અછત વર્તાય તો તેઓ પોતાની જરૂરિયાત મુજબ અન્ય યોગ્ય નાગરિકો કે કર્મચારીઓની પણ નોંધણીકાર તરીકે નિયુક્તિ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં મૂળ વસ્તીગણતરી નિયમો ૩૧ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ અમલમાં આવ્યા હતા, ત્યારબાદ સમયની માંગ અનુસાર તેમાં ૧૯૯૪, ૨૦૦૯, ૨૦૧૮ અને ૨૦૨૨માં સુધારાઓ કરવામાં આવ્યા હતા. હવે વર્ષ ૨૦૨૬નો આ નવો સુધારો તુરંત અસરથી લાગુ થઈ ગયો છે, જેનાથી જનગણના માટે પૂરતા પ્રમાણમાં માનવબળ મળી રહેશે અને ક્ષેત્રીય કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
