<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

દેશની સંસદીય પ્રણાલીમાં ઐતિહાસિક પરિવર્તન : લોકસભાની બેઠકો 543 થી વધારી 850 કરવા માટે કેન્દ્ર સરકાર લાવશે ‘બંધારણીય સુધારો વિધેયક’

131મો બંધારણીય સુધારો અને નવો પરિસીમન કાયદો 2026 : 16-17 એપ્રિલના વિશેષ સત્રમાં બિલ રજૂ થશે : મહિલાઓને 33% અનામત આપવાનો માર્ગ મોકળો થશે અને રાજ્યોનું પ્રતિનિધિત્વ બદલાશે

નવી દિલ્હી: ભારતીય લોકશાહીના માળખામાં ધરખમ ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. 'ધ કોન્સ્ટિટ્યુશન (વન હન્ડ્રેડ એન્ડ થર્ટી ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ, 2026' દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યામાં મોટો વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ વિધેયક અંતર્ગત લોકસભાના સભ્યોની કુલ સંખ્યા હાલની 543 થી વધારીને 850 કરવામાં આવશે. આ માટે આગામી 16 અને 17 એપ્રિલના રોજ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં આ ઐતિહાસિક બિલ રજૂ કરવામાં આવશે.

બંધારણના અનુચ્છેદ 82માં સુધારાની દરખાસ્ત:
વિધેયકમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 82 માં સુધારો સૂચવવામાં આવ્યો છે, જે વસ્તી ગણતરી બાદ મતવિસ્તારોના પુનઃનિર્ધારણ (પરિસીમન) ની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. હાલના નિયમ મુજબ 2026 પછીની વસ્તી ગણતરી બાદ જ પરિસીમન શક્ય હતું, પરંતુ સૂચિત સુધારા બાદ આ જોગવાઈ હટાવવામાં આવશે, જેથી 2026-27 ની વસ્તી ગણતરી પહેલા પણ પરિસીમન પ્રક્રિયા હાથ ધરી શકાશે.

લોકસભાની નવી રચના અને સભ્ય સંખ્યા:
સુધારેલા અનુચ્છેદ 81 મુજબ લોકસભાનું નવું માળખું નીચે મુજબ રહેશે:
રાજ્યોમાંથી સભ્યો:* મહત્તમ 815 સભ્યો ચૂંટાશે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સભ્યો:* મહત્તમ 35 સભ્યો ચૂંટાશે.

મહિલા અનામત લાગુ કરવાનો માર્ગ સરળ બનશે:
આ સુધારા દ્વારા મહિલાઓ માટે 33% અનામતને વહેલી તકે લાગુ કરવાનો માર્ગ ખુલશે. 106માં બંધારણીય સુધારા અધિનિયમ મુજબ, મહિલા અનામત પરિસીમન પછી જ લાગુ થવાનું હતું. હવે અનુચ્છેદ 334A માં ફેરફાર કરીને પરિસીમન પૂર્ણ થયાના તુરંત બાદ મહિલા અનામતનો અમલ કરી શકાશે.

પરિસીમન કાયદો, 2026 અને આયોગની રચના:
સરકાર પરિસીમન અધિનિયમ 2002 ને નાબૂદ કરી તેના સ્થાને 'ધ ડિલિમિટેશન બિલ, 2026' લાવી રહી છે. આ હેઠળ એક પરિસીમન આયોગની રચના કરવામાં આવશે, જેમાં:
 * સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા ભૂતપૂર્વ ન્યાયાધીશ અધ્યક્ષ રહેશે.
 * મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તેમના દ્વારા નામિત કમિશનર સભ્ય રહેશે.
 * સંબંધિત રાજ્યના ચૂંટણી કમિશનર પણ સભ્ય તરીકે જોડાશે.
 * દરેક રાજ્ય માટે 10 સહયોગી સભ્યો (5 સાંસદ અને 5 ધારાસભ્ય) ની નિમણૂક કરવામાં આવશે, જોકે તેમને મતદાનનો અધિકાર નહીં હોય.

નવી વસ્તી ગણતરી મુજબ બેઠકોનું નિર્ધારણ:
આ આયોગ નવીનતમ વસ્તી ગણતરીના આંકડાઓના આધારે લોકસભા બેઠકોની ફાળવણી, રાજ્ય વિધાનસભાની બેઠકોની સંખ્યા અને SC/ST વર્ગ માટે અનામત બેઠકોનું નિર્ધારણ કરશે. હાલની વ્યવસ્થા 1971 ની વસ્તી ગણતરી પર આધારિત છે, જ્યારે હવે તેને આધુનિક વસ્તીના આંકડાઓ સાથે સુસંગત કરવામાં આવશે.

મહિલાઓ માટે રોટેશન મુજબ અનામત:
વિધેયકમાં જોગવાઈ છે કે લોકસભા અને વિધાનસભામાં એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. જેમાં SC/ST વર્ગની મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે અને આ અનામત રોટેશનના આધારે અલગ-અલગ મતવિસ્તારોમાં લાગુ કરવામાં આવશે.

આયોગના આદેશો અંતિમ ગણાશે:
પરિસીમન આયોગના આદેશો ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે અને તેને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં. જોકે, જ્યાં સુધી વર્તમાન લોકસભા કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા જ અમલી રહેશે અને તે દરમિયાન યોજાનારી પેટાચૂંટણીઓ પણ જૂના પરિસીમન મુજબ જ થશે. આ ફેરફાર ભારતીય રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અને લોકશાહી માળખાને વધુ વ્યાપક બનાવશે.

(5:31 PM IST)