<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ભારતીય મૂળના ઉદ્યોગપતિનો ઐતિહાસિક નિર્ણય: અમેરિકાની નોર્થ કેરોલિના કોલેજના ૧૭૬ વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન ચૂકવી આપી

પિતાના સંઘર્ષને શ્રદ્ધાંજલિ: અનિલ કોચરે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને આપી અનોખી ભેટ, હોલમાં ખુશીનો માહોલ છવાયો

નોર્થ કેરોલિના: ભારતીય-અમેરિકન દાનવીર અનિલ કોચરે નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીની વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઇલ્સના ૧૭૬ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ફાઇનલ યરની શૈક્ષણિક લોન પોતાની તરફથી ચૂકવી દેવાની જાહેરાત કરી છે. ૮૦ વર્ષ પહેલાં તેમના પિતા પ્રકાશ ચંદ કોચર માત્ર આશા અને દ્રઢ નિશ્ચય સાથે ભારતથી અહીં ભણવા આવ્યા હતા, તેમની સ્મૃતિમાં અને વિદ્યાર્થીઓ આર્થિક ચિંતા મુક્ત થઈને પોતાના સપના પૂરા કરી શકે તે હેતુથી આ અનોખી ભેટ આપવામાં આવી હોવાનું પ્રસિદ્ધ થયું છે.

અમેરિકામાં ભારતીય મૂળના લોકો પોતાની દરિયાદિલી માટે જાણીતા છે. તાજેતરમાં નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીની વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઇલ્સ ખાતે ૮ મે ૨૦૨૬ ના રોજ યોજાયેલા પદવીદાન (ગ્રેજ્યુએશન) સમારોહમાં એક અદભુત અને ભાવુક દ્રશ્ય સર્જાયું હતું.

આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ભારતીય-અમેરિકન ફિલાન્થ્રોપિસ્ટ (દાનવીર) અનિલ કોચરે અચાનક એવી જાહેરાત કરી કે તેઓ અને તેમના પત્ની મેરિલીન, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના તમામ ૧૭૬ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ફાઇનલ યરની એજ્યુકેશન લોન ચૂકવશે. આ જાહેરાત સાંભળતા જ આખો હોલ ખુશી અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

પિતાની યાદમાં ઐતિહાસિક ભેટ: અનિલ કોચરે પોતાના પિતા પ્રકાશ ચંદ કોચરને શ્રદ્ધાંજલિ આપતા આ જાહેરાત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, "૮૦ વર્ષ પહેલાં એક યુવાન (મારા પિતા) માત્ર આશા અને દ્રઢ નિશ્ચય સાથે ભારતથી હજારો માઈલની સફર ખેડીને રાલે (Raleigh) આવ્યો હતો. તે સમયે તેમને ખબર નહોતી કે આ સફર તેમને ક્યાં લઈ જશે. તેઓ ક્યારેય કલ્પી પણ ન શક્યા હોત કે એક દિવસ તેમનો જ દીકરો એ જ સંસ્થામાં ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને સંબોધિત કરશે જે સંસ્થાએ તેમને આવકાર્યા હતા."

તેમણે વધુમાં જણાવ્યું કે, "હું અને મેરિલીન ઈચ્છીએ છીએ કે તમે લોકો માત્ર ડિગ્રી લઈને જ નહીં, પરંતુ તમારા ધ્યેયોને પ્રાપ્ત કરવાની, જોખમ લેવાની અને તમે જે જીવન માટે મહેનત કરી છે તે બનાવવાની વધુ સ્વતંત્રતા (આર્થિક બોજા વિના) સાથે અહીંથી વિદાય લો."

કોણ હતા પ્રકાશ ચંદ કોચર ? પ્રકાશ ચંદ કોચરનો જન્મ ભારતના પંજાબમાં થયો હતો. તેઓ ૧૯૪૬માં વિલ્સન કોલેજ ઓફ ટેક્સટાઇલ્સમાં એડમિશન લેનારા માત્ર બીજા ભારતીય વિદ્યાર્થી હતા. તેમણે ૧૯૫૦માં બેચલર અને ૧૯૫૨માં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયા હતા. ૧૯૮૫માં તેમના નિધન બાદ તેમના પત્ની ક્રિસ્ટીન હેયસ કોચરે યુનિવર્સિટી માટે 'પ્રકાશ ચંદ કોચર મેમોરિયલ ટેક્સટાઇલ સ્કોલરશિપ' શરૂ કરી હતી.

હવે તેમના પુત્ર અનિલ કોચર અને પત્ની મેરિલીન આ વારસાને આગળ વધારી રહ્યા છે અને કોલેજ માટે અન્ય ત્રણ મોટા એન્ડોવમેન્ટ (ડીન ચેર, ફેકલ્ટી ફંડ અને ગ્રેજ્યુએટ સપોર્ટ ફંડ) પણ પૂરા પાડે છે.

અનિલ કોચરની આ અણધારી જાહેરાત બાદ કોલેજે ન્યૂઝ એજન્સી Axios ને જણાવ્યું છે કે તેઓ આ ભેટના કુલ મૂલ્યની ગણતરી કરી રહ્યા છે અને કેમ્પસ ઓફિસ સાથે મળીને આ અંગેની આગળની વિગતો પર કામ કરી રહ્યા છે.

(10:24 AM IST)