News of Wednesday, 17th June 2026
પાકિસ્તાનમાં ઐતિહાસિક નિર્ણય: મહિલાઓની લાંબી કાનૂની લડત બાદ આખરે 'પિરિયડ ટેક્સ' નાબૂદ
સેનિટરી પેડ્સ અને ગર્ભનિરોધક પરનો ૧૮% સેલ્સ ટેક્સ શૂન્ય કરાયો

ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે તેના નવા ફેડરલ બજેટમાં એક ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લેતા માસિક સ્રાવ સ્વચ્છતા ઉત્પાદનો (સેનિટરી પેડ્સ) અને ગર્ભનિરોધકો પર લાગતો ૧૮ ટકા સેલ્સ ટેક્સ સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. દેશના મહિલા અધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરો વર્ષોથી આ "પિરિયડ ટેક્સ" અથવા "પિંક ટેક્સ" સામે દેશવ્યાપી ઝુંબેશ ચલાવી રહ્યા હતા, જેને આખરે મોટી સફળતા મળી છે. આ કરમુક્તિ બાદ હવે પાકિસ્તાન પણ ભારત (જેણે ૨૦૧૮માં ટેક્સ હટાવ્યો હતો) જેવા વિશ્વના એવા દેશોની હરોળમાં સામેલ થઈ ગયું છે જેમણે માસિક સ્રાવ સંબંધિત સામગ્રીને લક્ઝરીને બદલે અનિવાર્ય અને આવશ્યક વસ્તુ તરીકે માન્યતા આપી છે.
માસિક સ્રાવ કોઈ સ્વેચ્છિક પસંદગી નહીં પરંતુ એક કુદરતી શારીરિક પ્રક્રિયા હોવા છતાં, તેના પર ભારે ટેક્સ લાદવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે સેનિટરી પ્રોડક્ટ્સ ખરીદવી અશક્ય બની ગઈ હતી. યુનિસેફના અહેવાલ મુજબ, આ ટેક્સ અને કાચા માલ પરની આયાત જકાતને કારણે પેડ્સની કિંમતોમાં આશરે ૪૦ ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો, જેથી મહિલાઓ ગંભીર રોગોનો ભોગ બનતી હતી. આ પરિવર્તનમાં ૨૦૨૫માં બે યુવા વકીલો દ્વારા દાખલ કરાયેલી કોર્ટ પિટિશને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં દલીલ કરાઈ હતી કે આ ટેક્સ બંધારણીય સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. સરકારે વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપવા માટે ગર્ભનિરોધકો પરથી પણ ટેક્સ હટાવી લીધો છે.
જો કે, મહિલા સંગઠનોનું કહેવું છે કે આ લડાઈ હજુ સંપૂર્ણપણે પૂરી થઈ નથી કારણ કે સેનિટરી પેડ્સ બનાવવા માટે વપરાતા કાચા માલ પર સરકાર હજુ પણ આયાત જકાત વસૂલે છે, જેને કારણે કિંમતો કદાચ ધાર્યા જેટલી ઓછી નહીં થાય. આ ઉપરાંત, પાકિસ્તાનમાં માસિક સ્રાવ સ્વચ્છતાને લગતું માળખું ખૂબ નબળું છે અને આ વિષય સાથે જોડાયેલું સામાજિક કલંક હજુ પણ મોટો પડકાર છે. તેમ છતાં, માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરાર અને નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે આ નિર્ણયને મહિલાઓના સ્વાસ્થ્ય, ગૌરવ અને સામાજિક ભાગીદારી માટે એક અત્યંત પ્રગતિશીલ અને આર્થિક બોજ ઘટાડનારું મોટું કદમ ગણાવ્યું છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
