News of Monday, 29th June 2026
પ્રદૂષણ મુક્ત દિલ્હી માટે ઐતિહાસિક નિર્ણય: કેબિનેટે નવી EV નીતિને આપી લીલીઝંડી, ૨૦૨૭ થી માત્ર ઇલેક્ટ્રિક ઓટો અને ૨૦૨૮ થી ઇ-ટુ-વ્હીલર્સ જ દોડશે
રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ડામવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો માસ્ટરપ્લાન: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ₹૩૦,૦૦૦ અને થ્રી-વ્હીલર પર ₹૫૦,૦૦૦ સુધીની બમ્પર સબસિડી મળશે, હાઇબ્રિડ વાહનોને ઝટકો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીને ઝેરીલા વાયુ પ્રદૂષણના ભરડામાંથી મુક્ત કરવા માટે દિલ્હી કેબિનેટે એક અત્યંત ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીની નવી 'ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ ૨૦૨૬-૨૦૩૦' ને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવી કડક નીતિ હેઠળ આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી દિલ્હીમાં માત્ર અને માત્ર ઇલેક્ટ્રિક ઓટો-રિક્ષાઓનું જ નવું રજીસ્ટ્રેશન થશે, એટલે કે પેટ્રોલ-સીએનજી ઓટોના દિવસો હવે ભરાઈ ગયા છે. આટલું જ નહીં, ૧ એપ્રિલ, ૨૦૨૮ થી નવા પેટ્રોલ અને સીએનજી ટુ-વ્હીલર્સ (બાઇક-સ્કૂટર) ની નોંધણી પર પણ સંપૂર્ણપણે બ્રેક લગાવી દેવામાં આવશે. આ નવી નીતિ આગામી ૧ જુલાઈથી સમગ્ર દિલ્હીમાં લાગુ થવા જઈ રહી છે.
ઇકો-ફ્રેન્ડલી વાહનો ખરીદનારાઓ પર થશે સબસિડીનો વરસાદ
દિલ્હી સરકાર લોકોને ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કરોડો રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવી ઇવી પોલિસીના પ્રથમ વર્ષ દરમિયાન જો કોઈ નાગરિક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદશે તો તેને સરકાર તરફથી રૂપિયા ૩૦,૦૦૦ ની સીધી સબસિડી મળશે. જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના રોજગાર સાથે જોડાયેલા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઓટો) ખરીદનારાઓને રૂપિયા ૫૦,૦૦૦ ની માતબર સબસિડી આપવામાં આવશે. જો કે, આ નીતિમાં હાઇબ્રિડ વાહનો ખરીદનારાઓ માટે કોઈ પણ પ્રકારની સબસિડીની જોગવાઈ રાખવામાં આવી નથી.
પ્રદૂષણ સામેનો સૌથી મોટો રોડમેપ: વાહનોનું ૨૩% પ્રદૂષણ થશે સાફ
દિલ્હીમાં શિયાળા અને ઉનાળા દરમિયાન વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની જાય છે. એક રિપોર્ટ અનુસાર, શહેરના કુલ વાયુ પ્રદૂષણમાં વાહનોમાંથી નીકળતા ધુમાડાનો હિસ્સો આશરે ૨૩ ટકા જેટલો મોટો છે. આ જોખમી ઉત્સર્જનને નાબૂદ કરવા માટે નવી ઇવી નીતિ એક મજબૂત રોડમેપ સમાન સાબિત થશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પેટ્રોલ-ડીઝલ વાહનો બંધ કરવાનો નથી, પરંતુ તેની સામે સમગ્ર દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશનો અને મજબૂત માળખાકીય સુવિધાઓનું (Infrastructures) વિશાળ નેટવર્ક ઊભું કરવાનો છે.
જુની નીતિની સફળતા બાદ નવું અપગ્રેડેડ વર્ઝન
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે પોતાની પ્રથમ ઈવી નીતિ ઓગસ્ટ ૨૦૨૦ માં રજૂ કરી હતી, જેનો ત્રણ વર્ષનો સફળ કાર્યકાળ ઓગસ્ટ ૨૦૨૩ માં પૂર્ણ થયો હતો અને ત્યારબાદ સમયાંતરે તેને લંબાવવામાં આવ્યો હતો. હવે ૨૦૨૬ થી ૨૦૩૦ સુધીના આગામી ૪ વર્ષ માટે લાવવામાં આવેલું આ નવું અપડેટ કરેલ માળખું દિલ્હીને ગ્રીન ગતિશીલતા (Clean Mobility) તરફ રોકેટ ગતિએ આગળ ધપાવશે. સરકારના આ કડક વલણથી હવે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોટો ગરમાવો આવી ગયો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
