તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
એવરેસ્ટ સર કર્યાની ઐતિહાસિક ક્ષણ માતમમાં ફેરવાઈ: શિખર પરથી નીચે ઉતરતી વખતે બે જાંબાઝ ભારતીય પર્વતારોહકોના કરુણ મોત
૮,૮૪૮ મીટરની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યા બાદ ભારે થાક અને ઓક્સિજનની અછતને કારણે અરુણ તિવારી અને સંદીપ આરેએ ગુમાવ્યા પ્રાણ; નેપાળના માર્ગદર્શકોના બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ

કાઠમંડુ : વિશ્વના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યા બાદ નીચે ઉતરી રહેલા બે જાંબાઝ ભારતીય પર્વતારોહકોના કરુણ મોત નિપજ્યા હોવાની સત્તાવાર જાહેરાત નેપાળના અધિકારીઓ દ્વારા શુક્રવારે કરવામાં આવી છે. એવરેસ્ટ શિખર પર વિજય મેળવવાની ખુશી પળભરમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર પર્વતારોહણ જગત અને દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
અતિશય થાક અને પ્રતિકૂળ હવામાન બન્યું કાળ
મૃતક ભારતીય પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આરે તરીકે થઈ છે. 'એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશન ઓફ નેપાળ' ના સેક્રેટરી જનરલ ઋષિ ભંડારીએ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ને જણાવ્યું કે, આ બંને પર્વતારોહકો વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢી ગયા હતા. જો કે, ત્યાંથી નીચે ઉતરતી વખતે અતિશય ઊંચાઈ, ઓક્સિજનની અછત અને અસહ્ય શારીરિક થાકને કારણે તેમની તબિયત લથડી હતી. તેમની સાથે રહેલા શેરપાઓ અને માર્ગદર્શકો (Guides) એ જીવના જોખમે તેમને બચાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ કમનસીબે તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
રેકોર્ડ બ્રેક ચઢાણના દિવસે જ સર્જાયો વજ્રઘાત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંદીપ આરેએ બુધવારે અને અરુણ તિવારીએ ગુરુવારે સાંજે આશરે ૫:૩૦ વાગ્યે એવરેસ્ટ પર સફળ ચઢાણ કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ, ગુરુવારે ઉતરાણ દરમિયાન સંદીપ આરેનું અવસાન થયું હતું, જ્યારે અરુણ તિવારીના મૃત્યુના ચોક્કસ સમય અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. કરુણતા એ છે કે બુધવારે જ્યારે સંદીપ આરેએ શિખર સર કર્યું, ત્યારે તેઓ એક જ દિવસમાં સૌથી વધુ ૨૭૪ પર્વતારોહકોના ચઢાણના નવા વૈશ્વિક રેકોર્ડનો એક ભાગ બન્યા હતા. તે જ જથ્થામાં અન્ય બે ભારતીય પર્વતારોહકો તુલસી રેડ્ડી પાલપુનૂરી અને અજય પાલ સિંહ ધાલીવાલ પણ સામેલ હતા જેઓ સુરક્ષિત છે. જ્યારે તેના બીજા જ દિવસે ગુરુવારે ભારતના લક્ષ્મીકાંત મંડલે પણ એવરેસ્ટના શિખર પર પહોંચવામાં સફળતા મેળવી હતી.
એવરેસ્ટના 'ડેથ ઝોન' તરીકે ઓળખાતા આ આત્યંતિક ઊંચાઈવાળા વિસ્તારમાં પર્વતારોહકોના પાર્થિવ દેહને નીચે લાવવા માટે હાલમાં નેપાળી ગાઈડ્સ અને એજન્સીઓ દ્વારા જરૂરી વ્યવસ્થા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
