તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઐતિહાસિક ક્ષણ: ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ હેઠળ ઢાલવાલાથી નીર ગડ્ડુ વચ્ચેની ૧૦ કિલોમીટર લાંબી પ્રથમ એસ્કેપ ટનલનું સફળ બ્રેકથ્રૂ પૂર્ણ
સંકટજનક ભૂગર્ભીય પડકારો અને જળસ્રોતો વચ્ચે એન્જિનિયરોની ટીમે સિદ્ધિ મેળવી; ૨૮માંથી ૨૨ ટનલનું કામ પૂર્ણ થતાં પહાડી ક્ષેત્રમાં રેલ સેવા ટૂંક સમયમાં સાકાર થવાના સંકેત

ઋષિકેશ: ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અને ચારધામ યાત્રાને સરળ બનાવનારા મહત્વકાંક્ષી ૧૨૫ કિલોમીટર લાંબા ઋષિકેશ-કર્ણપ્રયાગ બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રોજેક્ટના સૌથી જટિલ ગણાતા પહેલા તબક્કા હેઠળ ઢાલવાલાથી નીર ગડ્ડુ વચ્ચે આવેલી આશરે ૧૦ કિલોમીટર લાંબી પ્રથમ નિકાસ (એસ્કેપ) ટનલનું સફળ બ્રેકથ્રૂ કરવામાં આવ્યું છે. ટનલના બંને છેડા એકબીજા સાથે જોડાઈ જતાં ત્યાં હાજર રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને નિર્માણ એજન્સીના અધિકારીઓ, એન્જિનિયરો તથા કર્મચારીઓએ ત્રિરંગો લહેરાવીને હર્ષોલ્લાસ સાથે સફળતાની ઉજવણી કરી હતી.
આ સમગ્ર પ્રોજેક્ટમાં કુલ ૨૮ ટનલ બનાવવામાં આવી રહી છે, જેમાંથી ૨૨ ટનલનું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ચૂક્યું છે. મુખ્ય ટનલની સમાંતર બનાવવામાં આવી રહેલી આ એસ્કેપ ટનલનો ઉપયોગ કટોકટીના સમયે ઈમરજન્સી વાહનો અને રાહત કાર્યો માટે કરવામાં આવશે. ઢાલવાલાથી નીર ગડ્ડુ વચ્ચેનો આ ભૂખંડ સબ-હિમાલયન ક્ષેત્રમાં મોટી ભૂગર્ભીય તિરાડો અને સ્થાનિક જળસ્રોતોથી ભરેલો હોવાથી આ ભાગમાં ખોદકામ કરવું એન્જિનિયરો માટે ભારે સજાગતા અને પડકારજનક કામગીરી હતી. વિષમ પરિસ્થિતિઓ વચ્ચે ચોવીસ કલાક કાર્યરત રહેલી આશરે એક હજારથી વધુ કર્મચારીઓની ટીમે તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરીને આ સફળતા હાંસલ કરી છે.
રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ ટનલની આ નિકાસ સુ રંગ સફળતાપૂર્વક આરપાર થઈ ગઈ છે અને હવે મુખ્ય ટનલનું બાકી રહેલું આશરે દોઢ કિલોમીટરનું કામ પણ આવતા વર્ષના પ્રારંભ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. સમગ્ર ૧૨૫ કિલોમીટરના આ રેલ માર્ગ પર પ્રવાસી ટ્રેનો મહત્તમ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેનાથી કલાકોની મુસાફરી મિનિટોમાં પૂરી થશે. આ માર્ગ શરૂ થવાથી ઉત્તરાખંડના દુર્ગમ પહાડી વિસ્તારોના આર્થિક અને સામાજિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
