News of Thursday, 26th November 2026
JEE મેઇન 2027માં ઐતિહાસિક રેકોર્ડ: 15.84 લાખથી વધુ નોંધણી, 14.06 લાખથી વધુ સફળ અરજીઓ; 67,000 બેઠકો માટે જામશે કાંટાની ટક્કર
આજે રાત્રે 11:50 વાગ્યા સુધી ₹500 લેટ ફી સાથે અરજીની અંતિમ તક, 27 થી 29 નવેમ્બર સુધી કરેક્શન વિન્ડો ખુલશે; 20 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાશે સત્ર 1ની પરીક્ષા

નવી દિલ્હી : એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE મેઇન 2027ના સત્ર 1 માટે વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે અને અરજીઓ મામલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના તાજેતરના અપડેટ મુજબ, ગુરુવાર બપોર સુધીમાં કુલ 15,84,014 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાંથી 14,06,780 વિદ્યાર્થીઓએ ફી ભરીને સફળતાપૂર્વક અરજી પૂર્ણ કરી દીધી છે. JEEના ઈતિહાસમાં પહેલીવાર સફળ અરજીઓનો આંકડો 14 લાખને પાર પહોંચ્યો છે, જે અગાઉ 2024માં 12.21 લાખ, 2025માં 13.11 લાખ અને 2026માં 13.55 લાખ નોંધાયો હતો. જે ઉમેદવારો હજુ બાકી છે, તેઓ આજે રાત્રે 11:50 વાગ્યા સુધી ₹500ની લેટ ફી સાથે jeemain.nta.nic.in પર અરજી કરી શકશે, જ્યારે 27 થી 29 નવેમ્બર દરમિયાન કરેક્શન વિન્ડો ખુલ્લી રહેશે.
આ વિશાળ સંખ્યા વચ્ચે દેશભરની 67,000 થી વધુ બેઠકો પર પ્રવેશ માટે ઉગ્ર સ્પર્ધા જોવા મળશે. JEE મેઇનના સ્કોર દ્વારા 32 NIT, 26 IIIT અને 47 GFTIમાં પ્રવેશ મળશે, જ્યારે 23 IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સ્ડ 2027ની પરીક્ષા 23 મેના રોજ લેવામાં આવશે. 2026ના આંકડા મુજબ IITsમાં 18,951, NITsમાં 25,162, IIITsમાં 11,518 અને GFTIsમાં 11,692 બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે JEE મેઇનના આધારે ટોચના 2,50,000 ઉમેદવારો JEE એડવાન્સ્ડ માટે પાત્ર ઠરશે.
પરીક્ષાના સમયપત્રકની વાત કરીએ તો, JEE મેઇન સત્ર 1ની પરીક્ષા 20, 21, 22, 23, 24 અને 28 જાન્યુઆરી, 2027 એમ કુલ છ દિવસ દરમિયાન બે શિફ્ટમાં (સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી સાંજે 6:00) યોજાશે. BE/BTech માટે પેપર 1 અને BArch/B.Planning માટે પેપર 2 લેવામાં આવશે.
દરમિયાન, નોંધણી અને ફી ભરેલી અરજીઓ વચ્ચે જોવા મળેલા મોટા તફાવત અંગે એલન કારકિર્દી સંસ્થાના સલાહકાર અમિત આહુજાએ જણાવ્યું હતું કે, આ વર્ષે NTAએ ભૂલ થવા પર ફરીથી અરજી કરવાની તક આપી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ જૂનું ફોર્મ પડતું મૂકી નવી નોંધણી કરાવી રહ્યા છે. આ ઉપરાંત, લાઇવ ફોટો મિસમેચ અથવા આધાર કાર્ડમાં નામ-ફોટો અપડેટ કર્યા બાદ જૂના આધાર વિગતો સાથે અરજી કરનારા વિદ્યાર્થીઓ પણ ફરીથી અરજી કરી રહ્યા હોવાથી આ તફાવત જોવા મળી રહ્યો છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
