<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

તૃણમૂલ કોંગ્રેસમાં ઐતિહાસિક બળવો: મમતા બેનર્જીને પ્રમુખ પદેથી હટાવાયા : ‘અસલી ટીએમસી’ માટે કાનૂની જંગ શરૂ

૫૮ ધારાસભ્યોના સમર્થન સાથે બળવાખોર જૂથે અરૂપ રોયને પક્ષના નવા વડા નિયુક્ત કર્યા: અસ્તિત્વ બચાવવા દીદીએ ચૂંટણી પંચના દ્વાર ખખડાવી પદાધિકારીઓની નવી યાદી સોંપી

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રે માં ખુલ્લેઆમ ભંગાણ થતાં પક્ષના સ્થાપક મમતા બેનર્જીને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઋતાબ્રત બેનર્જીના નેતૃત્વમાં પક્ષના કુલ ૮૦માંથી ૫૮ જેટલા બળવાખોર ધારાસભ્યોએ એક વિશેષ બેઠક યોજીને પૂર્વ મુખ્યમંત્રી અરૂપ રોયને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા છે. આ જૂથે મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના એકહથ્થુ શાસનને પડકારી તેમને માત્ર એક 'માર્ગદર્શક' ની ભૂમિકામાં મર્યાદિત રહેવા આદેશ કર્યો છે.

આ આકસ્મિક રાજકીય બળવા સામે મમતા બેનર્જીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે તાત્કાલિક ધોરણે ભારતીય ચૂંટણી પંચને પત્ર લખીને ૨૦ જૂન ૨૦૨૬ સુધીના પક્ષના અધિકૃત પદાધિકારીઓની યાદી સુપરત કરી છે, જેમાં તેમણે પોતે જ પક્ષના સર્વોચ્ચ અધ્યક્ષ હોવાનો મજબૂત દાવો કર્યો છે. આ યાદીમાં સુબ્રત બક્ષીને ઉપપ્રમુખ, અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવ તથા ડેરેક ઓ'બ્રાયનને સંયુક્ત સચિવ દર્શાવીને ૨૪ સભ્યોની નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ટીએમસીની શિસ્ત સમિતિએ બળવાખોર જૂથના અગ્રણી નેતાઓ ફિરહાદ હકીમ અને અરૂપ રોય સહિતના મંત્રીઓને કારણ બતાવો નોટિસ ફટકારેલ છે.

હાલમાં બંને જૂથો પોતે જ ‘વાસ્તવિક ટીએમસી’ હોવાનો દાવો કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં પક્ષના નામ, સત્તાવાર ચૂંટણી પ્રતીક ‘જોડા ઘાસ ફૂલ’ અને પક્ષના કરોડો રૂપિયાના ફંડ પર કબજો મેળવવા માટે ચૂંટણી પંચ અને અદાલત સમક્ષ મોટો કાનૂની સંગ્રામ ખેલાશે તે નિશ્ચિત છે. બળવાખોરોએ ૩૦ સભ્યોની નવી સમાંતર રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરીને ફિરહાદ હકીમ, રથિન ઘોષ અને સબીના યાસ્મીન જેવા કદાવર નેતાઓને પોતાની તરફ ખેંચી લીધા છે. મંગળવારથી શરૂ થયેલો આ આંતરિક વિખવાદ પશ્ચિમ બંગાળના ભવિષ્યના સત્તાધારી સમીકરણો અને મમતા બેનર્જીના ત્રણ દાયકા જૂના રાજકીય વર્ચસ્વ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે.

(10:07 PM IST)