<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ગાઝા યુદ્ધમાં ઐતિહાસિક મોટો વળાંક: હમાસે અમેરિકા સમર્થિત શાંતિ પ્લાન સ્વીકાર્યો, શસ્ત્રો હેઠા મુકવા અને સત્તા છોડવા દર્શાવી સંમતિ!

મધ્યસ્થી દેશો અને 'બોર્ડ ઓફ પીસ' દ્વારા સત્તાવાર જાહેરાત; ગાઝામાંથી ઇઝરાયલી સેનાની વાપસી અને પુનર્નિર્માણનો માર્ગ મોકળો, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિઝનને મળી મોટી સફળતા.

વોશિંગ્ટન ડીસી : ગાઝા પટ્ટીમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિનાશક યુદ્ધ અને માનવતાવાદી સંકટ વચ્ચે એક અત્યંત રાહતજનક અને ઐતિહાસિક સફળતા સાંપડી છે. અમેરિકા, ઇજિપ્ત, કતાર અને તુર્કી જેવા મધ્યસ્થી દેશો તથા 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સશસ્ત્ર સંગઠન હમાસે ગાઝામાં યુદ્ધવિરામના બીજા તબક્કાના રોડમેપનો સ્વીકાર કરી લીધો છે. આ કરાર હેઠળ હમાસ પોતાના તમામ શસ્ત્રો છોડી દેવા અને ગાઝાનું શાસન છોડવા માટે તૈયાર થયું છે.

મહિનાઓ સુધી ચાલેલી સઘન અને જટિલ કાનૂની વાટાઘાટો બાદ આ ઐતિહાસિક સમજૂતી શક્ય બની છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ વિઝન અને યુએન સુરક્ષા પરિષદના ઠરાવ 2803 (UN Resolution 2803) ને આધીન તૈયાર કરાયેલા આ પ્લાન મુજબ, હમાસ દ્વારા શસ્ત્રો સમર્પિત કર્યા બાદ ઇઝરાયલી સેના (IDF) તબક્કાવાર રીતે ગાઝામાંથી સંપૂર્ણપણે પાછી હટી જશે. આ સાથે જ ગાઝામાં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ (ISF) ને તૈનાત કરવામાં આવશે.

શાંતિ રોડમેપના મુખ્ય પાસાઓ:

· શસ્ત્ર સમર્પણ: હમાસ પોતાના તમામ હથિયારો હેઠા મૂકશે અને સત્તાનું સંક્રમણ કરશે.

· ઇઝરાયલની વાપસી: શસ્ત્ર સમર્પણની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઇઝરાયલી દળો ગાઝામાંથી તબક્કાવાર બહાર નીકળશે.

· નવું શાસન: અલી શાથના નેતૃત્વ હેઠળની 'નેશનલ કમિટી ફોર ગાઝા એડમિનિસ્ટ્રેશન' (NCAG) નાગરિક વહીવટ સંભાળશે.

શાંતિ બોર્ડના ડિરેક્ટર-જનરલ નિકોલે મ્લાડેનોવે આ કરારનું સ્વાગત કરતા જણાવ્યું કે, "ગાઝામાં શસ્ત્રો મૌન કરવા અને નાગરિક સંક્રમણ માટેનો આ એક મોટો નિર્ણય છે." જોકે, હમાસના પ્રતિનિધિ ગાઝી હમાદે સ્પષ્ટ કર્યું છે કે જો ઇઝરાયલ કરાર મુજબની પોતાની જવાબદારીઓ પૂરી નહીં કરે તો તેઓ આ કરારનો અમલ રોકી દેશે. આ ઐતિહાસિક પગલાથી હવે ગાઝાના વિસ્થાપિત નાગરિકો માટે માનવતાવાદી રાહત અને ક્ષેત્રના પુનર્નિર્માણ માટે નવી આશાનું કિરણ પ્રગટ્યું છે.

 

(7:49 PM IST)