<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: "માત્ર વધુ ઝડપ હોવી એ બેદરકારી નથી," ૨૦૦૯ ના અકસ્માત કેસમાં ડ્રાઈવરની નિર્દોષતા બહાલ!

દિલ્હી સરકારની અપીલ ફગાવી દેતાં કોર્ટનું મોટું અવલોકન: વાહનો વધુ સ્પીડ માટે જ બને છે, પુરાવા વગર અકસ્માતનો દોષ ડ્રાઈવર પર ન લાદી શકાય

નવી દિલ્હી | તા.૦૩: દિલ્હી હાઈકોર્ટે રોડ અકસ્માતના એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે માત્ર વાહન વધુ ઝડપે (હાઈ સ્પીડમાં) ચલાવવાનો અર્થ એવો નથી થતો કે ડ્રાઈવર બેદરકાર હતો. ૨૦૦૯ ના રોડ અકસ્માતના એક કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ડ્રાઈવરને મુક્ત કરવાના નિર્ણયને સમર્થન આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે વાહનોની બનાવટ જ વધુ ઝડપે ચલાવવા માટે કરવામાં આવે છે. આ સાથે કોર્ટે ડ્રાઈવરની નિર્દોષતા સામે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે.

 

આ કેસની વિગત મુજબ, ૨૦૦૯ માં દિલ્હીના નરેશ પાર્ક એક્સટેન્શન નજીક એક ટેમ્પોની ટક્કરથી સાયકલ પર જઈ રહેલી મહિલાનું માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદ પક્ષ દ્વારા ટેમ્પો ડ્રાઈવર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૯ (બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ) અને ૩૦૪A (બેદરકારીથી મૃત્યુ નિપજાવવું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ ૨૦૧૩ માં મેજિસ્ટ્રેટ કોર્ટે ડ્રાઈવરને નિર્દોષ જાહેર કર્યો હતો, જેને દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

 

અપીલની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે માત્ર અકસ્માત થયો અને કોઈનું કરૂણ મોત નીપજ્યું, તેટલા માત્રથી એવું તારણ ન કાઢી શકાય કે ડ્રાઈવર બેદરકાર હતો. ફરિયાદી પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે ડ્રાઈવિંગ ખરેખર કેવી રીતે બેદરકારીભર્યું હતું. ઉપરાંત, ટેમ્પોની ચોક્કસ ગતિનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં પણ તપાસ એજન્સી નિષ્ફળ રહી હતી.

 

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વાહનો સ્પીડમાં ચલાવવા માટે જ બનાવવામાં આવે છે, તેથી માત્ર વધુ ઝડપને કાનૂની રીતે બેદરકારી માની શકાય નહીં. આ ચુકાદાથી અકસ્માતના કેસોમાં સ્પીડ અને બેદરકારી વચ્ચેના કાનૂની તફાવતને લઈને એક મહત્વપૂર્ણ નઝીર સ્થાપિત થઈ છે.

 

(4:05 PM IST)